Gujarat

જેતપુરના મોણપર ગામે સાડીના ધોલાઈ ઘાટ બાબતે ઘણા સમયથી એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે ઝઘડો ચાલતો હતો

જેતપુરના મોણપર ગામે સાડીના ધોલાઈ ઘાટ બાબતે ઘણા સમયથી એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે ઝઘડો ચાલતો હતો જેમાં આજે એક જૂથના આધેડ દેરડી ગામે બેઠા હતા ત્યારે સામેના જૂથના પિતા પુત્રએ ધારિયા-કુહાડી અને ધોકાથી હુમલો કરી તેનું ઢીમ ઢાળી દીધું હતું. જ્યારે હુમલો કરનાર યુવાનને પણ માથામાં ઇજા પહોંચતા તેને પણ લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પીટલ લાવવામાં આવ્યો હતો. બંને જૂથના લોકો હોસ્પીટલ ખાતે હાજર હોય વાતાવરણ તંગ થઈ જતા હોસ્પીટલ અને મોણપર ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.
          જેતપુર તાલુકાનાં દેરડી ગામે સાડીનાં ધોલાઈ ઘાટ બાબતે મોણપર ગામના એક સમાજના બે જૂથ વચ્ચે ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી.જેમાં આઠેક દિવસ પૂર્વે ઝઘડો પણ થયેલ. જેમાં આજે એક જૂથના કટુભાઈ ધાંધલ મોણપર અને જેતપુરની વચ્ચે આવેલ દેરડી ગામે નિત્યક્રમ મુજબ સવારે એક દુકાને બેઠા હતા. ત્યારે ત્યાં ધંધામાં હરીફ જૂથના બાઘુભાઈ ધાંધલ અને તેમનો પુત્ર રવુભાઇ બંને એક ગાડીમાં હથિયારો સાથે ઘસી આવેલ અને કટુભાઈ કઈ સમજે તે પહેલાં જ તેમના પર કુહાડી, ધારીયા અને ધોકા વડે તૂટી પડ્યા. અને જોતજોતામાં ત્યાં ભાગમભાગી થઈ પડી હતી. આ બાજુ કટુભાઈ સાથે દુકાન પર બેસેલ તેમનો કૌટુંબિક ભત્રીજા કિશોરભાઈ પણ ત્યાં હાજર હોય તેઓએ તરત જ કટુભાઈના ભાઈ ભરતભાઇ તેમજ પરીવારજનોને જાણ કરતા તમામ લોકો દેરડી ગામ પહોંચતા લોહી નીતરતી હાલતમાં કટુભાઈ રસ્તા વચ્ચે પડ્યા હતાં. જેથી તેઓને તરત જ સારવાર માટે ખાનગી ગાડીમાં જેતપુર સરકારી હોસ્પીટલ લાવવામાં આવ્યા હતાં. હોસ્પીટલ ખાતે ફરજ પરના ડોકટર કટુભાઈને તપાસી મૃત જાહેર કરતા દેકારો બોલી ગયો અને વાતાવરણ તંગ બની ગયું હતું.
        આ બાજુ જેના પર હુમલાનો આરોપ લગાવવામાં આવ્યો છે તે બાઘુભાઈના પુત્ર રવુભાઈને પણ માથામાં ઇજા પહોંચી હોય તે પણ સારવાર માટે પેલાંથી જ સરકારી હોસ્પીટલ ખાતે હાજર હોય બંને જૂથ ભેગા થઈ જતાં વાતાવરણ ઉગ્ર બની ગયું. પરંતુ પોલીસ સમયસર પહોંચી જતાં માથાકૂટ થતા સહેજમાં રહી ગઈ હતી. ઇજાગ્રસ્ત રવુભાઈ પોતે જ તેના પિતા સાથે ગાડી હંકારી હોસ્પીટલ આવ્યા હતા તે ગાડી પોલીસની નજરમાં આવતા ગાડીમાં લોહીના નિશાનવાળી કુહાડી, ધારીયા અને ધોકા નજરે પડતા પોલીસે હથિયારો સાથે એક્સયુવી ગાડી કબ્જે લીધી હતી.
           એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે મારામારીના પગલે મામલો વધુ વણસે નહિ તે માટે પોલીસે હોસ્પીટલ અને મોણપર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. અને મૃતક જૂથ તરફથી પોલીસ ફરીયાદ આપવા પોલીસ ફરીયાદ લેવા તજવીજ હાથ ધરતા પેલા ફરીયાદ કરવાનો જ ઇનકાર કરી દીધો હતો. પરંતુ અન્ય આગેવાનોની સમજાવટથી અંતે મૃતકના ભાઈ જેતપુર તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઇ ધાંધલ ફરીયાદ કરવા તૈયાર થયાં હતા. માથાકૂટ વિશે ભરતભાઇએ જણાવેલ કે, આ બનાવ એક કાવતરું છે અને તેમાં ચારથી પાંચ લોકો સંડોવાયેલ છે અને તમામ સામે પોલીસ ફરીયાદ કરવામાં આવશે. મૃતકની અંતિમવિધિ સાંજના સમયે પતી ગયા બાદ પોલીસે ફરીયાદ લેવા તજવીજ હાથ ધરી હતી.

IMG-20230406-WA0229.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *