Gujarat

નડિયાદના આર.ટી.ઓ.કચેરીમાં અનધિકૃત વ્યકિતઓ/ વચેટીયાઓને કચેરીમાં પ્રવેશ અટકાવવા અંગેનું જાહેરનામું 

ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી આવેલ છે. આ કચેરીમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવેલ છે. પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી નડિયાદના આર.ટી.ઓ.કચેરીમાં એજન્ટ પ્રથા ન હોવા છતા આરટીઓ કચેરી ખાતે ઘણીવાર અરજદારો/નાગરીકોને ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરી આપવાનુ જણાવી કેટલાક અન—અધિકૃત ઈસમો કચેરીમાં પ્રવેશ કરી કામ કરતા તથા અરજદારોને છેતરપીંડી કરતા હોવાનુ ધ્યાને આવેલ હોઈ તથા આ બાબતે ફરીયાદો પણ વારંવાર મળતી હોઈ આવા અનધિકૃત વ્યકિતઓ/ વચેટીયાઓને કચેરીમાં પ્રવેશ અટકાવવા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૩૭(૪) અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવે છે.
આથી શ્રી બી.એસ.પટેલ, જી.એ.એસ., અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ખેડા જિલ્લો, નડિયાદ, ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૭(૪) થી પ્રમાણે તેઓને મળેલ સત્તાની રૂઈએ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, નડિયાદની કચેરી ખાતે કોઈપણ અનઅધિકૃત ઈસમો કે ઈસમોની ટોળી દ્વારા આરટીઓ કચેરીમાં આવતી જાહેર જનતાને ગેરમાર્ગે દોરી પૈસા પડાવવા જેવી ગેરકાયદેસર પ્રવૃતિ કરવાના ઈરાદાઓ ધરાવતી વ્યકિતઓના આરટીઓ કચેરીના મુખ્યગેટની આસપાસ ૧૦૦ મીટર ત્રિજયાના વિસ્તારમાં ઉભા રહેવા ઉપર તેમજ પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ તા.૧૯/૦૪/૨૦૨૩ થી તા.૧૮/૦૫/૨૦૨૩ (બંને દિવસો સુધ્ધાંત) સુધી ફરમાવે છે.
આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સને ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમ-૧૩૫ અને ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ ફરીયાદ દાખલ કરવા માટે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી તથા મદદનીશ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી તેમજ ખેડા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે તેમ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી. એસ. પટેલ દ્વારા જણાવાયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *