એકવાર ગોપીઓએ ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ ! અમારે અગત્સ્ય ઋષિને જમવાનું પહોંચાડવા જવાનું છે અને રસ્તામાં યમુનાજી આવે છે અને અત્યારે યમુનાજીમાં ભયંકર પૂર આવેલ છે હવે તમે કહો કે અમે કેવી રીતે જઇએ? ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે જ્યારે તમે યમુનાજીની પાસે જાઓ ત્યારે તમારે કહેવાનું કે યમુનાજી જો શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મચારી હોય તો અમોને રસ્તો આપો..
ગોપીઓ હસવા લાગે છે કે જુઓ તો ખરા આ કૃષ્ણ પોતે પોતાને બ્રહ્મચારી સમજે છે.આખો દિવસ તો અમારી પાછળ પાછળ ફરે છે,ક્યારેક અમારાં વસ્ત્રો ચોરી લે છે તો ક્યારેક અમારી મટકીઓ ફોડે છે. ચાલો..શ્રી કૃષ્ણ કહે છે તો આપણે યમુનાજીને કહીશું.ગોપીઓ યમુનાજીની પાસે જઇને કહે છે કે યમુનાજી જો શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મચારી હોય તો અમોને જવા માટે રસ્તો આપો અને ગોપીઓના આમ કહેતાંની સાથે જ યમુનાજીના બે ભાગ થઇ જાય છે,વચ્ચે રસ્તો બની જાય છે.
ગોપીઓ તો દંગ રહી જાય છે.હવે ગોપીઓ અગત્સ્ય ઋષિને ભોજન કરાવીને પરત ફરી રહી હોય છે ત્યારે અગત્સ્ય ઋષિને કહે છે કે હવે અમે ઘેર કેવી રીતે જઇશું? કેમ કે વચ્ચે યમુનાજી છે.ત્યારે અગત્સ્ય ઋષિએ કહ્યું કે તમે આવ્યા કેવી રીતે ? ત્યારે ગોપીઓ કહે છે કે શ્રી કૃષ્ણે કહ્યું હતું કે યમુનાજીને કહેજો કે તે પૂર્ણ બ્રહ્મચારી હોય તો યમુનાજી અમોને માર્ગ આપો..તો યમુનાજીએ માર્ગ આપી દીધો હતો.ત્યારે અગત્સ્ય ઋષિએ કહ્યું કે હવે જતાં સમયે યમુનાજીને કહેજો કે અગત્સ્ય ઋષિ આજન્મ નિરાહારી(જેને જીવનમાં ક્યારેય ભોજન ના કર્યું હોય) તો યમુનાજી અમોને માર્ગ આપો.
ગોપીઓ મનમાં વિચારે છે કે હમણાં જ આટલું બધું ભોજન અમારી હાજરીમાં ખાધું અને હવે પોતે પોતાને નિરાહારી કહે છે !! ગોપીઓ યમુનાજી પાસે જઇને કહે છે કે હે યમુનાજી ! જો અગત્સ્ય ઋષિ આજન્મ નિરાહાર છે તો અમોને રસ્તો આપો.ગોપીઓનું આવું કહેતાં જ યમુનાજીના બે ભાગ થઇ જાય છે અને વચ્ચે રસ્તો થઇ જાય છે.ગોપીઓ આશ્ચર્યચક્તિ થઇને વિચારે છે કે જે ખાય છે છતાં નિરાહારી કેવી રીતે હોઇ શકે? અને જે દિવસ-રાત ગોપીઓની પાછળ પાછળ ફરે છે,રાસ રચાવે છે તે પૂર્ણ બ્રહ્મચારી કેવી રીતે હોઇ શકે?
મનમાં આવા અનેક પ્રશ્નો લઇને ગોપીઓ શ્રી કૃષ્ણ પાસે જાય છે અને આ જ પ્રશ્ન પુછે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ગોપીઓ..મને તમારા દેહ સાથે કોઇ લેવાદેવા નથી,હું તો તમારા પ્રેમના ભાવને જોઇને તમારી પાછળ આવું છું.મેં ક્યારેય વાસનાના ભાવથી ક્યારેય સંસારને નથી ભોગવ્યો,હું તો સદાય નિર્મોહી છું એટલે યમુનાજીએ તમોને માર્ગ આપ્યો છે.
ત્યારે ગોપીઓ કહે છે કે ભગવાન ! મુનિરાજે તો અમારી સામે જ ભોજન ગ્રહણ કર્યું છે તેમછતાં કહેતા હતા કે અગત્સ્ય ઋષિ આજન્મ નિરાહારી હોય તો યમુના મૈયા માર્ગ આપી દો.. અને સૌથી મોટી નવાઇની વાત તો એ છે કે યમુનાજીએ માર્ગ આપી દીધો.
ભગવાન શ્રી કૃષ્ણ ર્હંસવા લાગે છે અને કહે છે કે હા..અગત્સ્ય ઋષિ આજન્મ ઉપવાસી છે.અગત્સ્ય ઋષિ ભોજન ગ્રહણ કરતાં પહેલાં મને ભોગ લગાવે છે અને તેમનો ભોજનમાં કોઇ મોહ હોતો નથી.તેમના મનમાં સહેજપણ એવો ભાવ નથી હોતો કે હું ભોજન કરી રહ્યો છું.તેઓ તો પોતાની અંદર રહેલા ઇશ્વરને ભોજન કરાવી રહ્યા હતા એટલે તેઓ આજન્મ ઉપવાસી જ છે.જે મને પ્રેમ કરે છે,હું તેમનો ઋણી બની જાઉં છું અને હું તમારા સર્વનો પણ ઋણી છું.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


