નાના અને સીમાંત ખેડૂતો માટે રાજ્ય સરકારની પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. રાજ્ય સરકાર આ યોજના હેઠળ ખેડૂતને તેના ખેતરમાં ગોડાઉન બનાવવા માટે રૂપિયા ૭૫૦૦૦ ની સહાય ચૂકવવામાં આવે છે.
જૂનાગઢ તાલુકાના વડાલ ગામના ધીરુભાઈ કાછડીયાએ સરકારશ્રીની સહાય થી તેમના ખેતરમાં ગોડાઉન બનાવ્યું છે. તેમણે જણાવ્યું હતું અમારા જેવા નાના ખેડૂતો માટે સરકારની આ યોજના થી ઘણો ફાયદો થયો છે. ગોડાઉન બનાવવા માટે સરકાર તરફથી મળતા ૭૫ હજારની સહાયથી ખેતરમાં ગોડાઉન બનાવવાનું શક્ય બન્યું છે. તેમને જણાવ્યું હતું કે, ગોડાઉનમાં પાક સંગ્રહ, બિયારણ સંગ્રહ માટે ઉપયોગી બને છે. અગાઉ ગોડાઉન ન હોય ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
ધીરુભાઈએ વધુમાં જણાવ્યું હતું ગોડાઉન બની જતા ખેતપેદાશોની ગુણવત્તા જળવાવાની સાથે જ યોગ્ય સમયે વેચાણ કરી શકવાથી ભાવ વધારો પણ મળ્યો છે. આ તકે ધીરુભાઈએ રાજ્ય સરકારશ્રીનો આભાર માન્યો હતો.


