Gujarat

તા.૧૪ તથા ૧૫ના રોજ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી, ૬૦ થી ૮૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

બિપોરજોઈ વાવાઝોડાંના સામના અને રાહત-બચાવની તમામ કામગીરી માટે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના નેતૃત્વ અને માર્ગદર્શનમાં તંત્ર સજ્જ છે.

        બિપોરજોય વાવાઝોડાંના સંદર્ભે માધ્યમકર્મીઓને જાણકારી આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, હવામાન વિભાગની આગાહી મુજબ તા.૧૪ તથા ૧૫ના રોજ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ ૬૦ થી ૮૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ત્યારે આ સ્થિતિમાં તંત્ર દ્વારા લોકોને અને તેમના જાનમાલને નુકસાન ન થાય તે માટે તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના માંગરોળ અને માળીયા હાટીના તાલુકાના ૪૭ ગામોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. જેથી કોઈ અઘિટત ન બનાવ બને. તેમણે કહ્યું કે, જિલ્લાની એક પણ બોટ દરિયાઈ વિસ્તારમાં નથી. ઉપરાંત દરિયાકાંઠે કોઈ વિડીયો બનાવવા વગેરે કારણોસર ન જાય તે માટે મરીન પોલીસ સહિતની સંબંધિત એજન્સીઓ સાથે સંકલન કરવામાં આવ્યું છે.

વાવાઝોડાંની સ્થિતિમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાની અને વીજ પોલ ધરાશાયી થવાની શક્યતાઓ રહેલી છે, ત્યારે વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે પીજીવીસીએલની ૬૦ જેટલી ટીમો તૈયાર રાખવામાં આવી છે.

ખાસ કરીને સિવિલ હોસ્પિટલ-સરકારી દવાખાનામાં વીજ પુરવઠો ન ખોરવાઈ અને કોઈ સંજોગોમાં વીજ પ્રશ્ન સર્જાય તો દર્દીઓની સારવારને અસર ન થાય તે માટે જનરેટરની વ્યવસ્થા રાખવામાં આવશે.

માર્ગો પર વૃક્ષો ધરાશાયી થવાની સ્થિતિમાં વન વિભાગ, નેશનલ હાઈવે ઓથોરિટી, પંચાયત સહિતના વિભાગને ધારાશાયી વૃક્ષ દૂર કરી વાહન વ્યવહાર ત્વરિત પૂર્વવત કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

વાવાઝોડાંની સ્થિતિ મુજબ તંત્ર દ્વારા લોકોના સ્થળાંતરની તૈયારી કરી દેવામાં આવી છે. સ્થળાંતરના સંભંવિત વિસ્તારમાં તંત્ર સંપર્કમાં છે. ઉપરાંત ૨૫ જેટલા સેલ્ટર હોમમાં જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જરૂરિયાત અનુસાર લોકોને આશ્રય આપવા માટે પ્રાથમિક શાળા નો પણ ઉપયોગ કરવામાં આવશે.

ઉપરાંત તકેદારીના ભાગરૂપે એક એનડીઆરએફની એક ટીમની પણ માંગ કરવામાં આવી છે, આમ ઝીરો કેઝ્યુલીટીના ધ્યેય સાથે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે. તેમ કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કલેક્ટરશ્રી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી, વાવાઝોડાંના સદર્ભે જરૂરી દિશાનિર્દેશો આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *