Delhi

ભારતીય અંડર-૨૩ ટીમે બાંગ્લાદેશને ફાઇનલમાં ૩૧ રનથી હરાવ્યું

નવીદિલ્હી
શ્રેયંકા પાટિલ અને મન્નત કશ્યપની સ્પિન જાેડીએ શાનદાર પ્રદર્શન કરતાં ભારતની અંડર-૨૩ વિમેન્સ ક્રિકેટ ટીમે બુધવારે બાંગ્લાદેશને ૩૧ રનથી હરાવીને વિમેન્સ ઇમર્જિંગ એશિયા કપ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ જીતી લીધી હતી. જાેકે ભારતની બેટિંગ કંગાળ રહી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ભારતે સાત વિકેટે ૧૨૭ રનનો સ્કોર નોંધાવ્યો હતો. ત્યાર બાદ શ્રેયંકા પાટિલે ૧૩ રનમાં ચાર વિકેટ અને કશ્યપે ૨૦ રનમાં ત્રણ વિકેટ ઝડપીને બાંગ્લાદેશને ૯૬ રનમાં ઓલઆઉટ કરી દેવામાં યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત ઓફ સ્પિનર કનિકા આહુજાએ બે વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશ સામેની આ મેચમાં ભારતના સ્પિનર્સે જ તરખાટ મચાવ્યો હતો અને તમામ વિકેટ વહેંચી દીધી હતી. અહીંના સ્લો મિશન ગ્રાઉન્ડની પિચ બાંગ્લાદેશ કરતાં ભારતના બોલર્સને વધારે અનુકૂળ આવી હતી. બાંગ્લાદેશ માટે સોબાના મોસ્ટરીએ ૧૬ અને નાહિદા અખ્તરે અણનમ ૧૭ રન ફટકાર્યા તે સિવાય અન્ય કોઈ ખાસ યોગદાન આપી શક્યા ન હતા. ભારતીય બેટર્સે પણ સંઘર્ષ કરવો પડ્યો હતો. ભારત માટે દિનેશ વ્રિન્દાએ ૨૯ બોલમાં ૩૬ રન ફટકાર્યા હતા તો કનિકા આહુજાએ ૨૩ બોલમાં ૩૦ રન ફટકાર્યા હતા અને તે છેક સુધી અણનમ રહી હતી. ભારત માટે ફક્ત ચાર જ બેટર ડબલ ફિગર સુઘી પહોંચી શકી હતી. જ્યારે બાંગ્લાદેશની બોલર્સે સમયાંતરે વિકેટો ખેરવી હતી. આમ તેમણે ભારતીય બેટિંગને સેટ થવા દીધી ન હતી અને આ જ કારણસર ભારતીય ઇનિંગ્સમાં એકેય મોટી ભાગીદારી જાેવા મળી ન હતી. વ્રિન્દા અને આહુજા બાદ વિકેટકીપર છેત્રીએ ૨૨ અને કેપ્ટન શ્વેતા સેહરાવતે ૧૩ રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ માટે નાહિદા અખ્તરે ૧૩ રનમાં બે વિકેટ લીધી હતી તો ઓફ સ્પિનર સુલતાના ખાતુને ૩૦ રનમાં બે વિકેટ ખેરવી હતી. અગાઉ આ ટુર્નામેન્ટમાં શ્રીલંકા સામેની સેમિફાઇલ મેચ વરસાદને કારણે ધોવાઈ જતાં ભારતે સીધે સીધો ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ટુર્નામેન્ટની વિચિત્રતા એ રહી હતી કે ભારત માત્ર એક જ મેચ રમીને ફાઇનલ સુધી પહોંચી ગયું હતું. પ્રારંભિક મેચમાં તેનો મુકાબલો યજમાન હોંગકોંગ સામે હતો જેમાં ભારતીય મહિલા ટીમનો નવ વિકેટે વિજય થયો હતો. ભારતની અન્ય ત્રણ મેચ એક પણ બોલ ફેંકાયા વિના વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. હકીકતમાં આ ટુર્નામેન્ટમાં વરસાદનું વિઘ્ન વારંવાર નડતું રહ્યું હતું કેમ કે સમગ્ર ટુર્નામેન્ટમાં આઠ મેચમાં તો એક પણ બોલ ફેંકાયો ન હતો.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *