Gujarat

ઋષિ વિશ્વામિત્રનું જીવનચરીત્ર  

કાન્યકુબ્જ રાજ્યના ગાધિરાજાના પુત્ર ઋષિ વિશ્વામિત્ર હતા.ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થઈ પોતાના તપોબળથી તેણે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું હતું.ગાધિરાજાને સંતાન ન હતું તેથી તે સોમયજ્ઞ કરે છે તેના ફળસ્વરૂપે તેમને ત્યાં એક દિકરીનો જન્મ થાય છે.તેનું નામ સત્યવતી.આ કન્યા સદગુણોનો ભંડારઅતિસુંદર,ચાલાક અને હોંશિયાર હોવાછતાં તેનામાં અભિમાન ન હતું.

એકવાર સત્યવતી જંગલમાં ફરતી હતી તે સમયે તેની મુલાકાત યુવાન અને તપસ્વી ઋચિક સાથે થાય છે.ઋચિકે જ્યારે સૌદર્યની મૂર્તિ સત્યવતીને જોઇ ત્યારે તેઓ સત્યવતી તરફ આકર્ષિત થાય છે. પૂર્વજન્મોના ઋણાનુબંધથી જ આપણે બધા એકબીજાને મળતા હોઇએ છીએ.

ઋચિકને સત્યવતી ગમી જાય છે અને સત્યવતીને ઋચિક ગમી જાય છે તેથી ઋચિક લગ્નની વાત લઇને ગાધિરાજા પાસે આવી સત્યવતીના હાથની માંગણી કરે છે.ગાધિરાજા ઋચિકની માંગણીનો સ્વીકાર કરવા માંગતા નહોતા તેથી એક અશક્ય શરત મુકે છે કે જો તમે એક હજાર શ્યામકર્ણવાળા ઘોડાઓ લાવી આપો તો હું મારી દિકરીને તમારી સાથે પરણાવીશ.

ઋચિક ગંગામાતા પાસેથી એક હજાર શ્યામકર્ણવાળા ઘોડાઓ લાવ્યા.તેનો અર્થ એ થાય કે ઋચિકે ગંગા નદીના કિનારે આવેલા વિસ્તારમાં જ્ઞાન-ભક્તિનો એટલો બધો પ્રચાર પ્રસાર કરી લોકોના દિલ જીતી લીધા કે તેમની ઇચ્છા પૂર્ણ કરવા લોકોએ એક હજાર શ્યામકર્ણના ઘોડાઓ ભેગા કરી આપે છે.ઋચિક એક હજાર શ્યામકર્ણ ઘોડાઓ લઇને ગાધિરાજા પાસે આવે છે એટલે શરત મુજબ સત્યવતીના લગ્ન ઋચિક સાથે કરવામાં આવે છે.

તમામ લોકો લગ્ન કરીને સાંસારીક સુખ ભોગવતા હોય છે પરંતુ ઋચિક લગ્ન પછી પણ પોતાની પત્ની સત્યવતીને સાથે રાખીને પ્રભુ ભક્તિ અને તપમાં લાગેલા રહે છે.એકવાર સત્યવતી કહે છે કે મારે સાંસારીક સુખ ભોગવવું છે ત્યારે ઋચિક કહે છે તમે સુંદરતાની મૂર્તિ છો,તમારૂં રૂપ જોઇને હું ગાંડો થયો હતો.હું સૌદર્યનો ઉપાસક છું ભક્ષક નથી.ત્યારે સત્યવતી વિનંતી કરે છે કે મનુષ્ય જીવન એકલા ભોગ માટે નહી પરંતુ પરમાત્માના યોગ માટે છે એ હું સમજું છું પરંતુ મને એક સંતાન થાય એવી ઇચ્છા છે જે આપ પુરી કરો અને આખરે ઋચિક પત્નીની ઇચ્છા પુરી કરવા તૈયાર થઇ જાય છે.

એકવાર સત્યવતી પોતાના પિયર જાય છે અને માતાને કહે છે કે મારે પતિ સાથે કોઇપણ પ્રકારના મતભેદ નથી.મારા પતિએ મને એક પૂત્રરત્ન થાય તે માટે રાજી થઇ ગયા છે.ત્યારે સત્યવતીની માતા કહે છે કે તારા પતિ ઘણાજ પ્રભાવશાળી તપસ્વી છે અને તારે પણ ભાઇ નથી તેથી મારા માટે પણ આર્શિવાદ માંગી લેજે.

સત્યવતી પતિ સમક્ષ પ્રસ્તાવ મુકે છે કે મારે ભાઇ નથી.તમે મને જેમ એક અપત્ય આપવાના છો તેમ મારી માતાને પણ એક અપત્ય આપવાની કૃપા કરજો.ગાધિરાજા ક્ષત્રિય હતા અને ઋચિક બ્રાહ્મણ હતા તેથી ઋચિકે પોતાનો દિકરો બ્રહ્મતેજવાળો બને સત્યવતીની માતાનો દિકરો ક્ષત્રિયતેજવાળો બને તે માટે ઋચિકે પોતાના તપ અને મંત્રશક્તિના પ્રભાવથી બે ચરૂં(ભાતના ગોળા) બનાવ્યા.

બંને ચરૂ લઇને સત્યવતી પોતાની માતા પાસે આવે છે ત્યારે તેમની માતાના મનમાં વિચાર આવે છે કે સત્યવતીના પતિને એના ઉપર ઘણો જ પ્રેમ છે તેથી તેઓને મહાન પ્રભાવી દિકરો થાય એવો ચરૂ સત્યવતી માટે તૈયાર કર્યો હશે અને મારા માટે જે ચરૂ બનાવ્યો છે તેમાં જોઇએ એટલો પ્રભાવ હશે નહી. આવી શંકાના કારણે સત્યવતીના માટે તૈયાર કરેલ ચરૂં પોતે ખાય છે અને પોતાના માટે તૈયાર કરેલ ચરૂં સત્યવતીને ખવડાવે છે.

આમ ચરૂં ઉલટ-સુલટ થઇ જવાથી ગાધિરાજાને ત્યાં બ્રહ્મતેજવાળા ક્ષત્રિય સ્વભાવના જન્મ્યા તે વિશ્વામિત્ર અને બ્રાહ્મણ ઋચિક અને સત્યવતીનું સંતાન જમદગ્નિ ક્ષત્રિય તેજવાળા જન્મે છે.વિશ્વામિત્ર અને જમદગ્નિ મામા-ભાણેજ થાય.

વિશ્વામિત્ર બાળપણથી ખુબ જ હોંશિયાર હતા.થોડા સમયમાં જ તેઓએ તમામ પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરી લીધી.એકવાર આ વિશ્વામિત્ર સૈન્ય સહિત મૃગયા રમવા નીકળ્યા.શિકાર કરતાં કરતાં તે પોતાની સરહદ ઓળંગીને વશિષ્ટના આશ્રમમાં જાય છે.વસિષ્ઠ ઋષિએ ખુબ આગ્રહ કરીને બે દિવસ પોતાના આશ્રમમાં રોકાઇ જવા વિનંતી કરે છે.ત્યારે વિશ્વામિત્ર કહે છે કે હું એકલો નથી મારી સાથે મારી આખી સેના છે.વશિષ્ટ ઋષિએ પોતાની નંદિની નામની કામધેનુની મદદથી રાજા તથા સાથે આવેલ તમામનો આદર સત્કાર અને તમામના ભોજનની વ્યવસ્થા કરી.

મનમાં જે ઇચ્છા કરીએ તે તુરંત પુરી કરે તેને કામધેનુ કહેવાય છે.વિશ્વામિત્ર આ કામધેનુની માંગણી કરે છે અને આ કામધેનુના બદલામાં અનેક ગાયો અને અડધુ રાજ્ય આપવા આપવાનું કહે છે છતાં વશિષ્ટ કામધેનુ આપવા તૈયાર થતા નથી.વશિષ્ઠઋષિની ના છતાં બળજબરીથી તેમની કામધેનું ગાય વિશ્વામિત્ર લઈ જવા તૈયાર થયા.તે સમયે કામધેનુ નંદિની ગાયમાંથી અસંખ્ય પુરૂષો પ્રગટ થયા અને તેમણે વિશ્વામિત્રના તમામ સૈન્યનો નાશ કર્યો અને રાજા લજ્જા પામી પોતાને નગર પાછા આવ્યા.

ક્ષત્રિયબળ કરતાં બ્રહ્મતેજનું પરાક્રમ ચડિયાતું છે એમ તેમને ખાતરી થવાથી તેણે હજારો વર્ષ તપ કર્યું. તે તપના પ્રભાવથી દેવોએ વિશ્વામિત્રને બ્રહ્મર્ષિની પદવી આપી પરંતુ વસિષ્ઠમુનિ તો તેમને રાજર્ષિ કહીને બોલાવતા.આથી વિશ્વામિત્રે વેર રાખી વસિષ્ઠઋષિના સો પુત્રોને મરાવી નાખ્યા અને તેમને પણ મારી નાખવા તૈયાર થયા.

વિશ્વામિત્ર ક્ષત્રિય  હતા એટલે રાજર્ષિ કહેવાતા પણ વિશ્વામિત્રનું કહેવાનું હતું કે મને પણ બ્રહ્મર્ષિની કક્ષામાં  મુકો.ઋષિ કહેવડાવવું એ કંઈ  બ્રાહ્મણોનો ઈજારો નથી.ગુરૂ વસિષ્ઠ તેમનો વિરોધ કરતાસાથે સાથે એવું પણ કહેતા કે ખુબ આકરી તપસ્યા કરવાથી બ્રહ્મર્ષિ થઇ શકાય છે.એક રાત્રે  વિશ્વામિત્રનું લોહી ઉકળી ઉઠ્યું એમણે  ગુરૂ વસિષ્ઠને મારી નાખવાનો પ્લાન બનાવ્યો અને પૂનમની ચાંદની રાત્રે ગુરૂ વસિષ્ઠના આશ્રમે પહોંચી ગયા અને વસિષ્ઠને મારી નાખવાનો લાગ જોતા સંતાઈને  ઉભા રહ્યાઆ વખતે  ગુરૂ વસિષ્ઠ પોતાની પત્ની અરૂંધતી સાથે  વાતોમાં વ્યસ્ત હતા.આ વખતે પુનમના ચંદ્રની ચાંદની જોઈ અરૂંધતીએ પોતાના પતિ ગુરૂ વસિષ્ઠને પૂછ્યું કે આવું શુદ્ધ નિર્મળ તપ કોનું હશે? ત્યારે ગુરૂ વસિષ્ઠ બોલ્યા આવું  તપ તો મહર્ષિ વિશ્વામિત્ર સિવાય બીજા કોનું હોય શકેઆવાં ગુરૂ વસિષ્ઠનાં વચનો સાંભળી વિશ્વામિત્રનો ક્રોધ એકદમ ઓગળી ગયો અને તેઓ વસિષ્ઠ જ્યાં બેઠા હતા ત્યાં ગયા. ઋષિ વિશ્વામિત્રને જોઈ ગુરૂ વસિષ્ઠ બોલ્યા કે પધારો બ્રહ્મર્ષિ.. મીઠા વચનો ક્રોધાવેશ ઓગળી દે છે.વશિષ્ઠજીને મારવા આવેલ વિશ્વામિત્ર વસિષ્ઠને પગે પડીને તેમની માફી માંગે છે.જ્યારે વિશ્વામિત્રને નિરાભિમાન જોયા ત્યારે વસિષ્ઠે વિશ્વામિત્રને બ્રહ્મર્ષિ કહીને બોલાવ્યા ત્યારથી તે બંને વચ્ચે ગાઢ સ્નેહ બંધાયો.

વિશ્વામિત્રના તપનો પ્રભાવ જોઇને ઇન્દ્રને ડર લાગે છે.ઇન્દ્રે સ્વર્ગની સૌથી સુંદર અપ્સરા મેનકાને ધરતી પર જવા આદેશ આપ્યો.ઇન્દ્રને વિશ્વાસ હતો કે વિશ્વામિત્ર મેનકાની સુંદરતામાં એટલા મોહક થઈ જશે કે પોતાની તપસ્યા છોડી દેશે. આખરે મેનકાની સુંદરતા જોઇને તેઓ મેનકા તરફ આકર્ષિત થયા અને તપસ્યામાંથી ઊભા થઈ ગયા.વિશ્વામિત્રના હૃદયમાં મેનકા માટે પ્રેમના અંકુર ફૂટ્યા.અપ્સરા મેનકા જે યોજના સાથે આવી હતી તે કામમાં સફળ થઈ.ઋષિની તપસ્યા ભંગ થઈ તેના મનમાં વિશ્વામિત્ર પ્રત્યે પ્રેમનો અનુભવ થયો.મેનકાને વિશ્વામિત્રના ક્રોધનો ડર હતો. થોડા સમય બાદ બંનેએ લગ્ન કરી લીધાં. મેનકાને ડર હતો કે જો વિશ્વામિત્રનો સાથ છોડીને જતી રહેશે તો તે ફરીથી તપસ્યામાં બેસી જશે. તેમની સાથે ગૃહસ્થ આશ્રમ વિતાવ્યાનાં કેટલાંક વર્ષો બાદ મેનકાએ એક પુત્રીને જન્મ આપ્યો.હવે સન્યાસી વિશ્વામિત્ર સંપૂર્ણપણે સંસારી બની ચૂક્યા હતા.

એક દિવસ મેનકા પોતાની નાની પુત્રી સાથે રમી રહી હતી ત્યારે ઇન્દ્ર પ્રકટ થયા અને તેમણે મેનકાને યાદ અપાવ્યું કે તે કોઈ સાધારણ સ્ત્રી નથી પણ સ્વર્ગની અપ્સરા છે.હવે ધરતી તમારૂં કામ પૂરૂં થઈ ચૂક્યું છે.મેનકાએ ત્યાર બાદ ઋષિ વિશ્વામિત્રને જણાવ્યું કે તે સ્વર્ગલોકની અપ્સરા છે અને તેમની તપસ્યા ભંગ કરવા માટે દેવતાઓએ તેને ધરતી પર મોકલી હતી.આ સાંભળી વિશ્વામિત્ર ખૂબ જ દુઃખી થયા હતા.મેનકાએ પોતાની પુત્રીને ત્યાં જ જંગલમાં એકલી છોડી વિદાય લીધી.જંગલમાં શંકુતા નામના પક્ષીઓ આ બાળકીની રક્ષા કરે છે.એકવાર કણ્વઋષિ પોતાના શિષ્યો સાથે સ્નાન કરવા જાય છે ત્યારે અનેક પક્ષીઓથી ઘેરાયેલી બાળકીને જુવે છે.ઋષિ બાળકીને પોતાના આશ્રમમાં લઇ જાય છે.શંકુતા નામના પક્ષીઓએ તેની રક્ષા કરી હતી તેથી તેનું નામ શકુંતલા રાખવામાં આવે છે.

શકુંતલા ઉંમરલાયક થતાં હસ્તિનાપુરના રાજા દુષ્યંત સાથે તેનું ગંધર્વ વિધિથી લગ્ન થાય છે. બંન્નેના દામપ્ત્ય જીવનથી પૂત્રરત્ન જન્મે છે જેનું નામ ભરત રાખવામાં આવે છે.આ ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે.

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *