દિલ્હી
એનસીપીના વડા શરદ પવારે આજે ગુરુવારે જણાવ્યું હતું કે, વિરોધ પક્ષોની સંયુક્ત બેઠક આગામી બેઠક ૧૩ અને ૧૪ જુલાઈના રોજ બેંગલુરુમાં યોજાશે. અગાઉ આ બેઠક ૧૦-૧૨ જુલાઈના રોજ શિમલામાં યોજાવાની હતી. એનસીપીના વડા, શરદ પવારે પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન ૨૩ જૂનની બેઠકનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પટનામાં વિપક્ષી પાર્ટીઓની બેઠક બાદ પીએમ મોદી બેચેન થઈ ગયા છે.બિહારની રાજધાની પટનામાં યોજાયેલી વિપક્ષી દળોની સયુંક્ત બેઠકમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીયસ્તરની કુલ ૧૫ વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં તમામ પક્ષોના નેતાઓએ એકતા દર્શાવી હતી. આ બેઠકમાં તમામ પ્રાદેશિક અને રાષ્ટ્રીય પક્ષોના ઉપસ્થિત રહેલા નેતાઓએ એકમત દર્શાવ્યો હતો. વિપક્ષની સંયુક્ત બેઠક દરમિયાન આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક બાદ એવું કહેવામાં આવ્યું હતું કે વિપક્ષોની સંયુક્ત બેઠક આવતા મહિને એટલે કે જુલાઈમાં શિમલામાં યોજાશે.


