છોટાઉદેપુરના દેવલિયા પાસે ગત મોડી રાત્રે આઈસર ટેમ્પો અને પીકઅપ ગાડી વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. જેમાં પિકઅપમાં સવાર એક જણનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ચાર જણાંને ઇજા થતાં હોસ્પિટલ ખેસેડવામાં આવ્યા હતા.છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઇવે 56 ઉપર દેવલીયા પાસે ગતરાત્રિના લગભગ દોઢ વાગ્યાના અરસામાં વડોદરા તરફથી આવતા આઇસર ટેમ્પો અને છોટાઉદેપુર તરફથી કાકડી ભરીને જતી પિકઅપ ગાડી વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. આ અકસ્માત થતાં જ પિકઅપ ગાડીમાં સવાર એક જણ હિતેન રાઠી (ઉં.વ.25) નામના યુવકનું ગાડી નીચે દબાઈ જતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું.આ પિકઅપ ગાડીમાં કુલ ત્રણ જણ અને આઇસર ટેમ્પોમાં બે જણ સવાર હતા. જેઓ ચારેય જણ અકસ્માતમાં એવા ફસાયા કે તેઓને કાઢવા માટે પોલીસ અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડી હતી. લગભગ એક કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. જેમાંથી આઇસર ટેમ્પોમાં સવાર બન્ને જણાંને ગંભીર ઇજાઓ થતાં વડોદરા રીફર કરાયા હતા. જ્યારે પિકઅપ ગાડીના ઘાયલ થયેલા બે જણાંને પાવી જેતપુર ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


