કુદરતી જળ વિસ્તારમાં કુદરતી રીતે થતા મત્સ્ય ઉત્પાદનની એક મર્યાદા હોય છે. વધતી જતી માનવ વસ્તીને કારણે માછલી અને ઝીંગાની માંગ પણ સતત વધવી સ્વાભાવિક છે. તદુપરાંત કુદરતી જળ વિસ્તારોમાં આધુનિક માછીમારો માટે યાંત્રિક ઉપકરણો તથા ઉપગ્રહ દ્વારા મત્સ્યક્ષેત્રોની સચોટ માહિતી ઉપલબ્ધ થતા કુદરતી જળ વિસ્તારમાંથી વધુ પડતી સધન માછીમારી થઈ રહી છે. બીજી તરફ દરિયાઈ પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું હોવાને કારણે માછલીઓ પર તેની વિપરીત અસર જણાઈ રહી છે. રાજ્ય સરકાર પણ આ સમસ્યાઓને નિવારવા માટે કાર્યરત છે. બીજી તરફ માછીમારો પણ મત્સ્યપાલનના વૈકલ્પિક સ્રોત તરીકે કૃત્રિમ જળક્ષેત્ર તરફ વળે તે જરૂરી છે. આવા જળસ્રોતમાં મત્સ્યપાલનની આધુનિક પદ્ધતિ દ્વારા સારું એવું ઉત્પાદન મેળવી શકાય છે. ત્યારે મત્સ્યપાલક દિવસ પર આવો જાણીએ માછીમારીની આધુનિક પદ્ધતિ ‘એકવાકલ્ચર’ વિશે.
માછલીઓની વધતી જતી માંગને પહોંચી વળવા માટે ‘એકવાકલ્ચર’ શ્રેષ્ઠ ઉપાય છે. એક્વાકલ્ચરમાં કૃત્રિમ જળ વિસ્તારો દ્વારા આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી મત્સ્ય તેમજ ઝીંગા ઉછેરવામાં આવે છે.
નિર્મિત તળાવોમાં પાણીના ભૌતિક, રાસાયણિક તેમજ જૈવિક પરિબળોને નિયંત્રણમાં રાખીને મત્સ્ય અને ઝીંગા પાલન કરવામાં આવે છે. એકવાકલ્ચરમાં મત્સ્યપાલનની વિવિધ પદ્ધતિ વિકસિત કરાઈ છે. જેનો ઉપયોગ કરીને સમુદ્ર સિવાયના વિવિધ વિકલ્પો દ્વારા મત્સ્યપાલન કરીને આર્થિક લાભો મેળવી શકાય છે.
(છ) નાનાં (નર્સરી), મધ્યમ (રીયરીંગ) તથા મોટાં તળાવોમાં મત્સ્યપાલનઃ-
આ વૈજ્ઞાનિક પદ્ધતિ થકી મત્સ્યપાલન માટે કૃત્રિમ જળક્ષેત્રનું નિર્માણ કરવામાં આવે છે. આ પદ્ધતિ થકી મત્સ્યપાલન માટે દરિયા, નદી કે નહેર નજીક રહેવું જરૂરી નથી. જમીનમાં યોગ્ય માપદંડોનું પાલન કરીને તમે નાની નર્સરી કે મધ્યમ રીયરિંગ ઊભી કરી શકો છો. આ જળક્ષેત્રમાં ચુનો, અકાર્બનિક તેમજ સેન્દ્રીય ખાતર ઉમેરીને પાણીની ઉત્પાદકતા વધારવામાં આવે છે. જેમાં આર્થિક રીતે મૂલ્યવાન માછલી અને ઝીંગાના શુદ્ધ બિયારણનો સંગ્રહ કરીને વધુમાં વધુ માછલા અને ઝીંગા મેળવી શકાય છે.
(મ્) મીઠા પાણીના મોટા જળ વિસ્તારોમાં મત્સ્યપાલનઃ-
આ પદ્ધતિ ફક્ત મીઠા પાણીના સ્રોતો માટે ઉપલબ્ધ છે. જેમાં નદી, નહેર ,જળાશય તેમજ સરોવરોમાં ચોક્કસ વિસ્તાર પૂરતું મત્સ્યપાલન કરવામાં આવે છે. જેના માટે કેઈજ કલ્ચર, પેન કલ્ચર, ફ્લોટિંગ નેટ–કેજ કલ્ચરની પદ્ધતિ ખૂબ જાણીતી છે.
(૧) કેજ કલ્ચરઃ-
કેજ કલ્ચર પદ્ધતિમાં લાકડા અથવા પીવીસીના પાટીયા વડે ચોરસ અથવા લંબચોરસ આકારના ‘બોક્સ’ બનાવી તેમાં માછલીના બિયારણનો સંગ્રહ કરી નદી, નહેરના છીછરા ભાગમાં મૂકવામાં આવે છે. આવા ‘બોક્સ’માં ઉપરના ભાગમાં ઢાંકણું મૂકવામાં આવે છે. જેના દ્વારા બોક્સમાં માછલીના બિયારણ મૂકી શકાય અને તેનો ઉછેર થઈ શકે. ત્યારબાદ મોટી માછલીને તેમાંથી કાઢી શકાય. બે પાટિયા વચ્ચેની તિરાડ મારફતે પાણી બોક્સમાં ઉમેરી શકાય તેમજ ખાલી કરી શકાય. આમ, કેજ કલ્ચરમાં માછલીને કુદરતી વાતાવરણ તેમજ ખોરાક પણ મળી શકે છે. આમ કેજ કલ્ચર દ્વારા સારું મત્સ્ય ઉત્પાદન મેળવી શકાય છે.
(૨) પેન કલ્ચરઃ-
આ પદ્ધતિમાં મોટા જળાશયો તથા સરોવરોમાં છીછરા વિસ્તારમાં બારિક જાળીને વાંસની લાકડીઓ ફરતે બાંધી લંબ ચોરસ બોક્સનો આકાર આપી મૂકવામાં આવે છે. જેમાં નીચેનો ભાગ તેમજ આજુબાજુની દીવાલ જાળી દ્વારા રચાઈ જાય છે. આ આકારને ‘પેન’ કહેવાય છે. આ ‘પેન’માં માછલીના બિયારણને ઉછેરવામાં આવે છે.
(૩) ફ્લોટિંગ નેટ –કેજ કલ્ચરઃ-
ઊંડાં જળાશયો અને સરોવરોમાં નિયંત્રિત ઉછેર માટે ‘ફ્લોટિંગ નેટ –કેજ કલ્ચર’ ખૂબ ઉપયોગી છે. આ પદ્ધતિમાં લાકડાનો તરાપો, બારીક કાણાવાળી જાળી અને હવા ભરેલી રબ્બર ટ્યુબ અથવા હવાચુસ્ત સીલ કરેલા પીપ ઉપયોગમાં લેવાય છે. તરાપામાં ચોરસ ખાંચામાં બારીક કાણાવાળી જાળીને ‘પેન’ની જેમ પાણીમાં માપસર વજનિયા વડે બાંધી ચોરસ આકાર આપવામાં આવે છે. આ પેન પાણીની સપાટીથી ૧૫-૨૦ સે.મી. ઊંચું રાખવામાં આવે છે. જેના કારણે જળાશયની શિકારી માછલી ‘પેન’માં ન આવી શકે. અને ઉછેર થતી માછલી જળાશયમાં ન જઈ શકે.
એક્વાકલ્ચરને પ્રોત્સાહન આપતી સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના
એક્વાકલ્ચરને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારની સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના હેઠળ અનેક લાભો આપવામાં આવે છે. જેમાં મુખ્યત્વે માછીમારોને તાલીમ આપવી, મત્સ્યબીજનું ઉત્પાદન કરવું, માછીમારોને બોટ અને નેટ પુરી પાડવી, ઈન્સ્યુલેટેડ બોક્સ ઉપલબ્ધ કરાવવા, ડિઝલની ખરીદી પર ચુકવેલ વેરા પર રાહત સહિતના લાભો સામેલ છે.


