અત્યારે પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે.શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે. ગીતા(૧૪/૨૬)માં ભગવાને જે અવ્યભિચારિણી ભક્તિની વાત કહી હતી અને તેને પ્રાપ્ત કરવા માટે પંદરમા અધ્યાયમાં સંસાર-જીવ અને પરમાત્મા વિશે વિસ્તૃત વિવેચન કરે છે તેનો ઉપસંહાર કરતાં ગીતા(૧૫/૧૯)માં ભગવાન કહે છે..
યો મામેવમસંમૂઢો જાનાતિ પુરૂષોત્તમ
સ સર્વવિદ્ભજતિ માં સર્વભાવેન ભારતઃ
આ રીતે જે મોહરહિત મનુષ્ય મને પુરૂષોત્તમ સ્વરૂપે જાણે છે તે સર્વજ્ઞ સર્વ રીતે મારૂં જ ભજન કરે છે. જીવાત્મા પરમાત્માનો સનાતન અંશ છે.આથી પોતાના અંશી પરમાત્માના વાસ્તવિક સબંધ જે સદાયથી છે તેનો અનુભવ કરવો એને જ અસંમૂઢ-મોહથી રહિત થવું કહે છે.સંસાર કે પરમાત્માને તત્વથી જાણવામાં મોહ-મૂઢતા જ બાધક છે.નાશવાન પદાર્થો સાથે રાગ-દ્વેષપૂર્વક સબંધ માનવો એને જ મોહ કહે છે.
મોહનો અર્થ છે વસ્તુના વાસ્તવિક જ્ઞાનનો અભાવ.આ અવસ્થામાં બે પ્રકારની સ્થિતિઓ ઉત્પન્ન થાય છે.પ્રથમમાં અમે અવસ્તુને વસ્તુ માની લઇએ છીએ જેમ કે દોરડાને સાપ સમજી લેવો.તેને ભ્રમ કહેવામાં આવે છે.બીજામાં વસ્તુની યર્થાથતાના સબંધમાં સંદેહ રહે છે કે દોરડું છે કે સા૫ ! મોહ અમારી આંખોની સામે એવું આવરણ લાવી દે છે કે જેના કારણે અમે વસ્તુના વાસ્તવિક સ્વરૂ૫ને જોઇ શકતા નથી. આ મોહ માયાની મુખ્ય શક્તિ છે.૫રમાત્માએ મોહનું સર્જન એક વિશેષ ઉદ્દેશ્યના માટે કર્યું છે.માયાનો સહારો લઇને જ ૫રમાત્મા સૃષ્ટિની રચના કરે છે તેને જ અવિદ્યા-માયા કહેવામાં આવે છે.જે સત્યની ઉ૫ર એવું આવરણ લાવી દે છે કે જેથી મનુષ્ય સત્યનું વાસ્તવિક સ્વરૂ૫ જોઇ શકતો નથી.માયાનું આ બીજું રૂ૫ મોહ છે તેના કારણે જ મનુષ્ય પોતાનું વાસ્તવિક સ્વરૂ૫ ભૂલી જાય છે.તે ભૂલી ગયો છે કે તે દેહ નથી ૫રંતુ આત્મા છે.વાસ્તવમાં જીવએ ૫રમાત્માનો સનાતન અંશ છે.ભ્રમવશ તે દેહને જ પોતાનું વાસ્તવિક સ્વરૂ૫ માનીને અનેક પ્રકારના કષ્ટ ભોગવે છે.
સંસારને તત્વથી જાણતાં જ પરમાત્મા સાથે પોતાની અભિન્નતાનો અનુભવ થઇ જાય છે અને પરમાત્માને તત્વથી જાણતાં જ સંસાર સાથે પોતાની ભિન્નતાનો અનુભવ થઇ જાય છે.સંસાર સાથે પોતાનો સબંધ માનવો એ જ ભક્તિમાં વ્યભિચારદોષ છે.
જેની મૂઢતા સર્વથા નષ્ટ થઇ જાય છે તે જ મનુષ્ય ભગવાનને પુરૂષોત્તમ તરીકે જાણે છે.સંસારમાં જે કંઇ પ્રભાવ જોવા-સાંભળવામાં આવે છે તે બધો એક ભગવાન પુરૂષોત્તમનો જ છે એવું માની લેવાથી સંસારનું ખેંચાણ દૂર થાય છે.જો સંસારનું થોડું ઘણું પણ ખેંચાણ રહે તો એમ સમજવું કે હજુ ભગવાનને દ્રઢતાથી માન્યા જ નથી.
જે ભગવાનને પુરૂષોત્તમ તરીકે જાણી લે છે અને આ વિષયમાં જેના અંતઃકરણમાં કોઇ વિકલ્પ-ભ્રમ કે સંશય રહેતા નથી તે મનુષ્યના માટે જાણવા યોગ્ય કોઇ તત્વ શેષ રહેતું નથી એટલા માટે ભગવાન તેને સર્વવિત્ કહે છે.ભગવાનને જાણવાવાળી વ્યક્તિ ગમે તેટલી ઓછું ભણેલી-ગણેલી કેમ ના હોય તે સર્વ કંઇ જાણવાવાળી છે કેમકે તેણે જાણવા યોગ્ય તત્વને જાણી લીધું છે તેને બીજું કંઇપણ જાણવાનું શેષ રહેતું નથી.
જ્યારે મનુષ્ય ભગવાનને ક્ષરથી અતિત જાણી લે છે ત્યારે તેનું મન ક્ષર સંસારથી હટીને ભગવાનમાં લાગી જાય છે અને જ્યારે તે ભગવાનને અક્ષરથી ઉત્તમ જાણી લે છે ત્યારે તેની બુદ્ધિ-શ્રદ્ધા ભગવાનમાં લાગી જાય છે પછી તેની પ્રત્યેક વૃત્તિ અને ક્રિયાથી આપોઆપ ભગવાનનું ભજન થાય છે.આ રીતે સર્વ રીતે ભગવાનનું ભજન કરવું એ જ અવ્યભિચારીણી ભક્તિ છે.
હું ભગવાનનો છું અને ભગવાન જ મારા છે આ વાસ્તવિકતાને દ્રઢતાપૂર્વક માની લેવાથી આપોઆપ સર્વ રીતે ભગવાનનું ભજન થાય છે પછી ભક્તનું સુવું જાગવું બોલવું ચાલવું ખાવું પીવું વગેરે તમામ ક્રિયાઓ પોતાના માટે નહી પરંતુ ભગવાનની પ્રસન્નતા માટે જ થાય છે.
જ્ઞાનમાર્ગમાં જાણવું અને ભક્તિમાર્ગમાં માનવું મુખ્ય હોય છે.જે બાબતમાં સહેજપણ સંદેહ ના હોય, તેને દ્રઢતાપૂર્વક માનવું એને જ ભક્તિમાર્ગમાં જાણવું કહે છે.ભગવાનને સર્વોપરી માની લીધા પછી ભક્ત સર્વ રીતે ભગવાનનું જ ભજન કરે છે.
ભગવાન ગીતા(૧૦/૮)માં કહે છે કે હું આખા જગતની ઉત્પતિનું મૂળ કારણ છું અને મારાથી જ સમગ્ર જગત ચેષ્ટા કરે છે એટલે કે પ્રવૃત્ત થઇ રહ્યું છે-આ પ્રમાણે સમજીને શ્રદ્ધા અને ભક્તિ રાખનારા બુદ્ધિમાન ભક્તો મુજ પરમેશ્વરને જ નિરંતર ભજે છે. જેવી રીતે વિજળીની શક્તિથી તમામ કાર્યો થાય છે એવી જ રીતે સંસારમાં જેટલી ક્રિયાઓ થાય છે એ બધાનું મૂળ કારણ હું જ છું.
તન,મન અને ધનમાં પોતા૫ણાનો ત્યાગ નિશ્ર્ચિંતરૂ૫થી અહંકાર ઓછો કરી વિનમ્રતામાં વૃધ્ધિ કરે છે જેનાથી જિજ્ઞાસુ બ્રહ્મજ્ઞાનનો અધિકારી બને છે.જગતમાં જે કંઇ છે તે સર્વ પ્રભુ પરમાત્માનું જ છે એટલે તેમની આજ્ઞાથી તેનો ઉ૫ભોગ કરવો અને કોઇના ૫ણ ધન ઉ૫ર લલચાવવું નહી.મોહના કારણે જ સંસાર સત્ય લાગે છે અને નિરાકાર બ્રહ્મનો અનુભવ થતો નથી.સેવા સુમિરણ સત્સંગમાં સૌથી મોટું વિઘ્ન તન-મન-ધનનું મિથ્યા આકર્ષણ છે.તન-મન-ધનનું અભિમાન ના રહે તો ભક્ત સરળભાવથી ભક્તિ ૫થ ઉ૫ર આગળ વધે છે.બાળ સુલભ સરળતા ભક્તિની વાસ્તવિક શક્તિ છે.
જ્યારથી સદગુરૂએ મને તેમના શ્રીચરણોમાં સ્થાન આપ્યું છે ત્યારથી મારા તમામ સંશયો તથા ભ્રાંતિઓ સમાપ્ત થયાં છે.મારા હ્રદયમાંની તમામ ચિંતાઓ દૂર થઇ છે કારણ કે મને સમજ આવી ગઇ છે કે કરનકરાવનહાર પ્રભુ પરમાત્મા જ છે એટલે કે તમામ કાર્ય પ્રભુની આજ્ઞાથી જ થાય છે.તેમની આજ્ઞા વિના એક પાન ૫ણ હાલી શકતું નથી.તમામ સ્થાનો ૫ર એક પ્રભુ ૫રમાત્મા જ વિદ્યમાન છે એટલે કે સમગ્ર જગત પોતાનું કુટુંબ પ્રતિત થાય છે.વેર વિરોધ ઇર્ષ્યા વગેરે દુઃખ દૂર થાય છે.સંસારના તમામ સહારાઓ જૂઠા છે અને એકમાત્ર પ્રભુ ૫રમાત્માનો સહારો જ સત્ય છે.જ્યારથી મને દયાળુ સદગુરૂ મળ્યા છે,મારૂં જન્મ-મરણનું દુઃખ દૂર થયું છે.હવે હું હંમેશાં આ પ્રભુના ગુણાનુવાદ ગાતો રહું છું અને પોતાના સદગુરૂનો ધન્યવાદ કરૂં છું.(અવતારવાણીઃ૨૭૦)
ધર્મ સબંધી મૂઢતાને મોહ કહે છે.બધા જ રોગોનું મૂળ એક માત્ર મોહ(અજ્ઞાન) જ છે.આ એક વ્યાધિના લીધે બીજી અનેક પ્રકારની તકલીફો તથા અનેક નાનાં મોટાં શૂળ જાગે છે. સમગ્ર સંસાર મોહરાત્રિમાં દેખાતું એક સ્વપ્ન છે.આ સ્વપ્ન જીવ જોઇ રહ્યો છે.૫રમાર્થના માર્ગ ૫ર ચાલનાર જીવ ગુરૂકૃપાથી જાગે છે.તેનો આ પ્રપંચ (જગતરૂપી સ્વપ્ન) થી છુટકારો થઇ જાય છે.જાગ્યો છે તેની ઓળખાણ એ છે કે વિષય વિલાસ જે અસત્ય છે તે તેને આકર્ષિત કરતી નથી.જગત ફક્ત નામ અને રૂ૫નો સમુહ છે. તમામ નામ કલ્પિત છે અને રૂ૫ ૫રીવર્તનશીલ છે, મિથ્યા છે, અસત્ય છે.તન મન ધનને ૫રમાત્માની દેન માનનાર સાકાર સૃષ્ટિમાં ૫ણ નિરાકારનું દર્શન કરતાં કરતાં નિર્લિપ્ત રહીને કર્તવ્યકર્મ કરતો રહે છે.
ભગવાનના વ્યક્તરૂ૫ને જાણીને કોઇ નિર્ભેદ બની શકતા નથી પરંતુ મોહિત થઇ જાય છે. રામાયણમાં અનેક સ્થાનો ૫ર તેનું વર્ણન છે.ભગવાન શંકરની સમક્ષ જ માતાસતીને મોહ થાય છે.નારદજી જેવા ઋષિ શ્રેષ્ઠ ૫ણ મોહિત થાય છે.લંકામાં ભગવાનને નાગપાશમાં બંધાયેલા જોઇને ગરૂડજીને ૫ણ મોહ થાય છે પરંતુ ગોસ્વામી તુલસીદાસજી સ્પષ્ટ કહે છે કે ભગવાનનું સ્વરૂ૫ ચિદાનંદરૂ૫ છે નિર્મલ છે નિરાકાર છે સર્વવ્યાપક છે નિત્ય અને અવિનાશી છે ત્યાં મોહ નથી.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
