Gujarat

હદ કર દી ! જેતપુરમાં કુમળી વયની બાળકી પાસે દેશી દારૂ વેચાવતા વાલીઓ !!

પેટા
વાલીઓની મજબૂરી કે બાળકીની કમનસીબી ??
પેટા
બાળકીના વાલીઓને જેલભેગા કરી બાળકીને ઉગારવા મૂંગા મોંએ ઉઠેલી પ્રબળ માંગણી
પેટા
રાજકોટ જિલ્લા પોલીસ વડા હવે તો જાગો ? જેતપુરમાં દેશી દારૂના વેપલાના હવે કેટલા પુરાવા જોઈએ છે ?
(હરેશ ભાલિયા દ્વારા) : જેતપુર તા.3
જેતપુર શહેરમાં બેરોકટોક વેચાતા અંગ્રેજી અને દેશીદારૂના અનેક વખતના અહેવાલો પછી પણ સ્થાનિક પોલીસ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા હજુ જાગ્યા નથી ત્યારે સમસ્ત સભ્ય સમાજને આંચકો લાગે તેવી બીના જેતપુરમાંથી બહાર આવી છે.
 જેતપુરના જાગૃત પત્રકારોએ શહેરના જાગૃતિ નગર વિસ્તારની બાજુમાં આવેલા ચામુંડા નગર વિસ્તારમાં ચોક્કસ જ્ઞાતિના વાલીઓ પોતાની કુમળી વયની બાળકીને દેશી દારૂના ધંધા તરફ ધકેલી દેતા મીડિયાના કેમેરામાં ઝડપાયેલા દ્રશ્યો જાણકારોના રૂંવાડા ખડા કરી દીધા હતા. સૌથી મોટી જેતપુર વાસીઓની કમનસીબી એ જોવા મળી કે ખુલ્લેઆમ વેચાતા દારૂની જગ્યાએથી પોલીસમેન આંટો મારીને ચાલ્યો જાય છે. પરંતુ લેશમાત્ર કોઈ કાર્યવાહી કરવાનું મુનાસિબ માનતો નથી. ત્યારે એ વાત ચોક્કસ ફલિત થઈ રહી છે કે જેતપુરમાં દેશીદારૂના બૂટલેગરો અને પોલીસ વચ્ચે મજબૂત સાઠગાંઠ રચાઈ ગઈ છે.
છેલ્લા એક સપ્તાહથી જેતપુરમાં દેશી દારૂ અને અંગ્રેજી દારૂનો વેપલો ધોમધોકાર રીતે ચાલતો હોવાના અનેક અખબારી અહેવાલો વહેતા થયા છે. છતાં સ્થાનિક જેતપુર પોલીસ કે રાજકોટ જિલ્લા પોલીસ વડા હજુ પણ જગ્યા નથી. જાણકાર લોકો આક્ષેપ કરી રહ્યા છે કે શહેરના દારૂના બુટલેગરોએ સમસ્ત પોલીસ તંત્રને પોત પોતાના ખિસ્સામાં પૂરી દીધું હોવાથી પોલીસ કોઈ પણ કાર્યવાહી કરવામાં લાચાર બની ગઈ છે.
સૌથી આશ્ચર્યની એ પણ વાત છે કે જેતપુર શહેરમાં ડીવાયએસપી પોલીસ સ્ટેશન પણ છે ડીવાયએસપી પણ રોજ બરોજ અખબારી અહેવાલો વાંચતા હોવાનું જાણવા મળે છે. છતાં તેમણે પણ હજુ સુધી એક પણ પોલીસ અધિકારી કે પોલીસમેનને દેશી દારૂ બાબતે કડક કાર્યવાહી કરવાની સૂચના ન આપી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
સૌથી વધુ હૃદયદ્રાવક તે ઘટના પ્રકાશમાં આવી કે આજે જેતપુર શહેરમાં ધોરાજી રોડ ઉપરના ચામુંડા નગરમાં જાગૃત પત્રકારોની ટીમ પહોંચી ત્યારે એક મહિલા પોતાની કુમળી વયની બાળકીને દેશી દારૂ વેચવા મજબૂર કરતી હોવાનું કેમેરામાં કેદ થઇ ગયું હતું.
 દેશીદારૂના પ્યાસીઓ પણ આ બાળકી પાસેથી દારૂની પોટલી લઈને થોડે દૂર ખુલ્લેઆમ દારૂ ગટગટાવતા હોવાનું કેમેરામાં કેદ થઇ ગયું હતું. ત્યારે આ વાત મીડિયા દ્વારા પ્રજા વચ્ચે આવી જતા સભ્ય સમાજે આંચકો અનુભવ્યો છે. જાગૃત લોકોના મુખમાંથી હાયકારો નીકળી ગયો છે કે હજુ તો જે બાળકીની ઉંમર રમવાની અને ભણવાની છે તેવી બાળકીને આવા ભયંકર દારૂના દૂષણ સાથે જોડી દેવામાં આવતા લાગતા વળગતા વાલીઓની મજબૂરી છે કે બાળકીની કમનસીબી ?? તે વિશે ઊંડી તપાસ કરવાનો પોલીસ તંત્ર માટે સમય પાકી ગયો છે.
અત્રે એ નોંધનીય છે કે જેતપુરમાં દારૂની બદી દૂર કરવા માટે શહેર કોંગ્રેસના મહામંત્રી શારદાબેન વેગડાએ ૧૧મી નવેમ્બરના રોજ આંદોલન શરૂ કરવાની ચીમકી આપી છે. આમ છતાં જેતપુર પોલીસ તંત્ર ઉપર તેની લેશમાત્ર અસર થઇ નથી. ઊલટાનું શહેરમાં ઠેકઠેકાણે દેશી દારૂનું વેચાણ વધ્યું હોવાનો જાણકારોમાં આક્ષેપ થઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા એક કડક અધિકારી તરીકેની છાપ ધરાવે છે. તેઓને પણ જેતપુરના દેશી અને અંગ્રેજી દારૂના વેપલા વિશે સારી એવી માહિતી હોવાનું જાણકારો કહે છે. આમ છતાં જિલ્લા પોલીસ વડા આ બાબતે કેમ કોઈ પગલાં ભરતા નથી ? તે હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ માટે તપાસનો વિષય બની ગયો છે.
કાયદો જાણતા અમુક જાગૃત નાગરિકોએ ત્યાં સુધી કહ્યું કે કોઈપણ પ્રશ્ન ફરિયાદ કે દારૂ-જુગારની બદી વિશે એક વખત અખબારમાં સમાચાર પ્રસિદ્ધ થયા પછી સરકારનું માહિતી ખાતું જે તે ડિપાર્ટમેન્ટને આવા અખબારી અહેવાલોના કટીંગો મોકલતું હોય છે. તેવી રીતે રાજકોટ જિલ્લા પોલીસ વડાને પણ આવા દારૂના અહેવાલો વિશે કટીંગ મોકલાયા હશે તેમાં શંકાને સ્થાન નથી. આમ છતાં જિલ્લા પોલીસ વડા દ્વારા જેતપુર પોલીસ પ્રત્યે કેમ કૂણી લાગણી રાખવામાં આવે છે તે પણ એક તપાસનો વિષય હોવાનું બુદ્ધિજીવી લોકો કહી રહ્યા છે.
……….
બોક્સ : વાલીઓ સામે કડક પગલાં ભરી બાળકીને બચાવવી જરૂરી
જેતપુર : જેતપુરના ધોરાજી રોડ ઉપર આવેલ જાગૃતિ નગર નજીકના ચામુંડાનગરમાં ઔદ્યોગિક વિસ્તારમાં એક મસમોટી લોખંડની પેટીમાં છુપાવીને દેશી દારૂનું કુમળી વયની બાળકીના હાથે વેચાણ કરાતું હોવાનું કેમેરામાં કેદ થયા બાદ સભ્ય સમાજના લોકોએ ભારે દુઃખ વ્યક્ત કર્યું છે. જાગૃત લોકો કહે છે કે દારૂ વેચતી મહિલાની શું મજબૂરી હશે કે તેને દેશી દારૂનો ધંધો કરવો પડે છે ? તેનાથી પણ ગંભીર વાત એ છે કે પોતાની કુમળી વયની બાળકીને દેશી દારૂની બદી સાથે જોડી દેવામાં વાલીઓને કઈ મજબૂરીનો ભોગ બનવું પડે છે ? તે વિશે તપાસ કરવી જોઈએ.
 શહેરના જાગૃત નાગરિકોએ તો આક્રોશભેર એવું જણાવ્યું કે રમવા જેવડી ઉંમર અને ભણવા જેવડી ઉંમર ધરાવતી બાળકીને દેશી દારૂ વેચાવતા વાલીઓને તાત્કાલિક પકડી પાડીને જેલભેગા કરીને બાળકીની દેશી દારૂની બદીથી દુર કરાવવી જોઇએ. અન્યથા કિશોરીનું જીવન આગામી સમયમાં ધૂંધળુ બની જશે..
બોક્સ : દારૂ વેચાણનો તમાશો જોઈ ચાલ્યા ગયેલા પોલીસને સસ્પેન્ડ કરો
જેતપુર : જેતપુરના ચામુંડા નગરમાં નાની બાળકી દ્વારા દેશી દારૂ વેચાણ થતું હોવાનું વિદ મીડિયા સમક્ષ બહાર આવ્યા બાદ તેમજ બાળકી દારુ વેચતો હોવાનું શૂટિંગ કરાતું હોવાનું જાણી ગયેલી જેતપુર શહેર પોલીસનો એક પોલીસમેન બાઇક લઇને જેમાં દારૂ છુપાવ્યો હતો તે દારૂની પેટી નજીક આવીને ચક્કર મારીને કોઈ પણ કાર્યવાહી કર્યા વગર ચાલ્યો જાય છે. આવા દ્રશ્યો મીડિયાના કેમેરામાં કેદ અને ઇલેક્ટ્રિક મીડિયામાં ચમક્યા બાદ જાગૃત લોકોએ મૂંગા મોઢે માગણી ઉઠાવી છે કે મીડિયાના કેમેરામાં કેદ થઇ ગયેલા પોલીસને તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ. જો આમ ન કરવામાં આવે તો દારૂના બુટલેગરોને વધુ પ્રોત્સાહન મળશે તેવી દહેશત પણ વ્યક્ત કરાઈ છે.
બોક્સ : સામાજિક સંસ્થાઓ આગળ આવીને બાળકીનો સધિયારો બને
જેતપુર : પ્રવર્તમાન દિવસોમાં જેતપુર શહેરમાં અનેક નાની-મોટી સેવાભાવી સંસ્થાઓ કાર્યરત છે. દરેક સંસ્થાઓ દ્વારા સમયાંતરે લોક ઉપયોગી તેમજ લોકોને સેવા પૂરી પાડતા કાર્યક્રમોના આયોજનો કરવામાં આવે છે. આવી તમામ સેવાભાવી સંસ્થાઓના કાર્યકરોએ તાત્કાલિક દેશી દારૂ વેચતી બાળકીને બચાવવા પ્રયાસ કરવો જોઈએ. દેશી દારૂ બાળકી દ્વારા વેચાતો હોવાનું કેમેરામાં કેદ કરનાર પત્રકારનું કહેવું છે છે કે જો શહેરની સેવાભાવી સંસ્થાઓ દારૂ વેચતી બાળકીને બચાવવા માગતા હોય તો તમામ પ્રકારની વિગતો અને દારૂ વેચાણનું સ્થાન બતાવવા માટે પોતે તૈયાર રહેશે. ત્યારે એક કુમળી વયની બાળકીનું જીવન બરબાદ થતા રોકવા માટે સેવાભાવી સંસ્થાઓને તક મળી છે. ત્યારે સમય જ બતાવશે કે સેવાભાવી સંસ્થાના કાર્યવાહકો જાગશે કે પછી રાબેતા મુજબ માત્ર ને માત્ર અખબારી પબ્લિસિટી માટે બેઠા રહેશે.
બોક્સ : જેતપુર પોલીસને કોર્ટમાં ઢસડી જવાની ગતિવિધિઓ ચાલુ ?
જેતપુર: અત્રે એ ઉલ્લેખનીય છે કે જેતપુરમાં બેરોકટોક ચાલતા દેશી અને અંગ્રેજી દારૂ વિશે પ્રવર્તમાન સરકારનો ભાજપ પક્ષ ક્યારેય ફરિયાદ કરશે નહીં તેમજ કોંગ્રેસને ફરિયાદ કરવા પછી પણ કોઇ નિરાકરણ નહીં આવે તેવી દહેશત છે. ત્યારે આ બંને પક્ષોના હરીફ પક્ષ તરીકે મેદાનમાં આવેલા એક રાજકીય પક્ષના અમુક કાર્યકરો અને આગેવાનો દ્વારા જેતપુર પોલીસની દારૂના બુટલેગરો સાથેની સાંઠગાંઠના આક્ષેપોવાળા અખબારી કટીંગો એકત્ર કરીને જેતપુર પોલીસને દારૂના ધંધા પાછળ દોષી ઠેરવવા માટે કોર્ટમાં ઢસડી જવાની ગતિવિધિઓ કરતા હોવાનું જાણવા મળ્યું છે. જો ખરેખર આમ કરવામાં આવે તો જેતપુર શહેર પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારી મુખ્ય પોલીસ અધિકારી સહિત અનક પોલીસમેનના હાંડલા અભડાઈ જવાની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.

IMG-20211103-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *