*જામનગરમાં માળી કામ સાથે સંકળાયેલા વ્યક્તિઓ માટે ત્રિદિવસીય તાલીમનું આયોજન*
*તાલીમ મેળવવા ઇચ્છુકે તા.૨૨ સપ્ટેમ્બર સુધી I-Khedut પોર્ટલ પર અરજી કરી તેની નકલ નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે પહોંચાડવાની રહેશે*
જામનગર તા.૨૮ ઓગસ્ટ, રાજ્યમાં બાગાયતનો વ્યાપ વધારવા માટે તેમજ તાલીમ થકી યુવાનો તેમના કૌશલ્યમાં વૃદ્ધિ કરી શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘અર્બન ગ્રીન મિશન કાર્યક્ર્મ (માળી તાલીમ)’ અમલમાં મુકવામાં આવ્યો છે. આ તાલીમ હેઠળ પ્રતિ દિન તાલીમાર્થીઓને રૂ.૨૫૦ ની મર્યાદામાં સ્ટાઇપેન્ડ/વ્રુતિકા તેમજ તાલીમાર્થીને ગાર્ડન ટૂલ કીટ આપવામાં આવશે. તાલીમનો સમયગાળો પ્રતિદિન ૮ કલાકનો રહેશે. આ યોજના અંતર્ગત મહાનગર પાલિકા, અર્બન ઓથોરીટી હસ્તકના બગીચા તથા બાગાયત ખાતાની નર્સરી,સીઓઈ સેન્ટર, કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે.
તાલીમ સત્રમાં ભાગ લેવા માટે ઈચ્છુક ૧૮ થી ૪૫ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ માળીકામ સાથે સંકળાયેલા વ્યક્તિઓએ આઈ.ખેડૂત પોર્ટલ પર જઈને આગામી તા૨૨ સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ નકલ અને જરૂરી સાધનિક કાગળો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન- 4, પ્રથમ માળ, રૂમ નં. 48, સુભાષ પૂલ પાસે, જામનગર ખાતે રૂબરૂ અથવા ટપાલના માધ્યમથી જમા કરાવવાની રહેશે. વધુ માહિતી મેળવવા માટે કચેરીના ફોન નં. 0288- 2571565 પર સંપર્ક સાધી શકાશે. તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
