*૩૦/૮/૨૩ (શ્રાવણી પૂનમ)*
વિશ્વ સંસ્કૃત દિવસ પર પ્રામાણિક લેખ આપના ન્યૂઝ પેપરમાં લેવા બાબતે.
શ્રાવણી પૂનમના રોજ સમગ્ર દેશભરમાં *”વિશ્વ સંસ્કૃત દિવસની”* ઉજવણી કરાશે: મહર્ષિગૌતમ
*વિશ્વ બંધુત્વની ભાવનાનો પાઠ ફક્ત આપણા વેદોમાં જ છે.*
આપણી ભારતીય સંસ્કૃતિના આધારે શ્રાવણ માસને અતિ પવિત્ર અને પર્વોનો રાજા માનવામાં આવ્યો છે. કારણકે આ મહિનામાં સૌથી વધારે આપણા તહેવારો રહેલા છે. જેમાં નાગપંચમી, સ્વતંત્રતાદિવસ, રક્ષાબંધન, સંસ્કૃતદિવસ, જન્માષ્ટમી વગેરેનો સમાવેશ છે.
સંસ્કૃત દિવસ શ્રાવણી પૂનમના દિવસે જ શા માટે મનાવવામાં આવે છે ? કારણકે આજના દિવસે જ વિદ્યાર્થીના પરિવાર જનો તેનો વિધિવત્ યજ્ઞોપવિત સંસ્કાર કરાવીને તેને ગુરુકુળમાં અભ્યાસ કરવા માટે મોકલતા હતા. લોકશાહી આવ્યા બાદ વર્ષ ૧૯૬૯ માં ભારતના પ્રતિષ્ઠિત વિદ્વાનોના માર્ગદર્શનથી કેન્દ્રીય શિક્ષા મંત્રાલય ભારત સરકાર દ્વારા શ્રાવણી પૂનમના રોજ સૌપ્રથમ વખત “વિશ્વ સંસ્કૃત દિવસ” ઉજવવામાં આવ્યો હતો. ત્યારથી આરંભીને દર વર્ષની શ્રાવણી પૂનમે સમગ્ર ભારત ભરમાં “વિશ્વ સંસ્કૃત દિવસની” ઉત્સાહભરી ઉજવણી કરાતી આવી છે. આ વર્ષે પણ રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ તેમજ વ્યાખ્યાનોનુ આયોજન કરાયું છે. જેનાથી આપણા બાળકો ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાથી સ્વયં ને જાણી શકશે.
ઘણા વર્ષોથી વિદેશોમાં વસતા ભારતીયો દ્વારા પણ સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે એટલું જ નહીં આજે વિદેશી જનો પણ આપણી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા પ્રત્યે આદર ભાવ ધરાવે છે. અને ભારતીય સંસ્કૃતિ પણ અપનાવી રહ્યા છે. જેમાં આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજથી આરંભીને અત્યાર સુધીના આચાર્યશ્રીઓનુ ખૂબજ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. કારણકે મુગલો અને વામપંથીઓએ તો વારંવાર આપણા સનાતન ધર્મ અને સંસ્કૃતિનાં સમૂલ નાશ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. પણ આપણી આચાર્ય પરંપરાના નિર્વાહકોએ આપણા પ્રાચીન જ્ઞાનભંડાર વેદોને સુરક્ષિત રુપે આપણા સુધી પહોંચાડ્યા છે. એટલા માટે જ કહેવામાં આવ્યું હશે કે “સત્ય પરેશાન થઈ શકે પણ પરાસ્ત નહીં” શ્રાવણી પૂનમનો દિવસ એટલે આપણા પૂર્વજોને ઋષિમુનિઓને વિશેષ અર્ધ્ય પ્રદાન કરવાનો દિવસ કહેવામાં આવ્યો છે. આજના દિવસે દરેક દ્વિજ બંધુઓ નદી તટે સપ્તર્ષિ અર્ચન સાથે સાથે ઉપાકર્મ કરતા હોય છે. આજના જ શુભ દિવસે માં યમુનાજીએ સમસ્ત જીવોના ઉદ્ધાર માટે યમરાજને રાખડી બાંધી હતી. તેના ભેટ સ્વરૂપે યમરાજે બહેન યમુનાને વચન આપ્યું હતું કે આજના દિવસે હું એક પણ જીવનો પ્રાણ નહીં હરીશ. ત્યારથી આરંભીને દરેક બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધતી આવી છે. આજનો દિવસ ભાઈ બહેનમાં અતૂટ પ્રેમની વૃદ્ધિ કરે છે.
સંપૂર્ણ વિશ્વમાં જ્યારે એક પણ સ્થાને શિક્ષણનું કેન્દ્ર બન્યું નહોતુ. ત્યારે ફક્ત ભારતમાં ગુરુકુળો ચાલતા હતા. જેમાં ગુરુજી દ્વારા શિષ્યોને નિઃશુલ્ક શિક્ષા અને દીક્ષા અપાતી હતી. જેનું મોટું પ્રમાણ આપણો ઈતિહાસ છે. આજના સમયમાં સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અર્થે ભારત સરકાર દ્વારા દરેક રાજ્યમાં સંસ્કૃત વિશ્વવિદ્યાલયો મહાવિદ્યાલયો અને વિવિધ શૈક્ષણિક કેન્દ્રો સારી રીતે ચલાવવામાં આવે છે. પણ શું તેનાથી ભારતીય સંસ્કૃતિનું પૂરતું જતન સંભવ થશે ? તે માટે ઘણી ખરી સ્વતંત્ર પાઠશાળાઓ, પરિષદો, સમિતિઓ અને સંસ્થાઓ નિઃસ્વાર્થભાવે સેવારત છે. જે આપણા માટે પ્રેરણાદાયી છે. આટલી બધી માત્રામાં સંસ્કૃતિના સંરક્ષણ અર્થે સંસ્થાઓ કાર્યરત છે તો પછી આપણે વ્યક્તિગત સેવા કરવાની આવશ્યકતા શું કામ ? એવો પ્રશ્ન દરેકને થાય કારણ કે દરેક ભારતીય નાગરિક માં ભારતીનો ઋણી છે અને ભારતની પ્રતિષ્ઠા નું મૂળ સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ છે માટે તેનું સંરક્ષણ કરવું તે દરેક ભારતીયનું પહેલું કર્તવ્ય છે.
*પ્રેષક – શ્રી મહર્ષિગૌતમ*
*પ્રધાનાચાર્ય*
*શ્રી શંકરાચાર્ય વેદ શાસ્ત્ર પાઠશાળા* (બાબરા)

