જામનગરમાં કાલે જન્માષ્ટમીની સાર્વજનિક ભવ્ય શોભાયાત્રા નીકળશે, ખાસ રથમાં શ્રી કૃષ્ણ કરશે નગરભ્રમણ
ફોટો
જામનગર :
જામનગરમાં આ વર્ષે 17મી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા આવતીકાલે જન્માષ્ટમીમાં વહેલી સવારે નીકળનાર છે જુદા જુદા 24 ધાર્મિક ફ્લોટ્સો સાથે નીકળનાર શોભાયાત્રામાં આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણજીને વિશિષ્ટ રથમાં બેસાડી ભાવિકો રાજમાર્ગો પર પરિભ્રમણ કરાવશે.

જન્માષ્ટમી પહેલા જ જામનગરમાં સાર્વજનિક શોભાયાત્રા માટે ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા પૂર્વે આ વર્ષે શોભાયાત્રા તેમજ મટકી ફોડ અને સ્વાગત કાર્યક્રમને સુચારુંરૂપે દિવ્ય અને ભવ્યતા પૂર્વક યોજવા અને સફળ બનાવવા જન્માષ્ટમી શોભાયાત્રા સંકલન સંમેલનમાં નક્કી કરવામાં આવ્યુ છે.

જામનગરમાં નીકળનાર શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ની સાર્વજનિક શોભાયાત્રા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી 7, સપ્ટેમ્બર 2023 ના ગુરુવારે સવારે 8.30 કલાકે પ્રસ્થાન કરશે. આ શોભાયાત્રામાં 24 જેટલા વિવિધ સંગઠનોના ધાર્મિક ફ્લોટ્સો જોડાવાના છે. આ ઉપરાંત 12 જેટલા સ્થળોએ શોભાયાત્રા દરમિયાન મટકી ફોડ અને સ્વાગત માટે પણ અદકેરું આયોજન કરવામાં આવ્યું છે.
ખીજડા મંદિરથી નીકળનાર શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા માટે આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણનો ખાસ રથ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ભગવાન શ્રીકૃષ્ણજીને બિરાજમાન કરી નગર ભ્રમણ કરાવવામાં આવશે. આ રથનું આજે શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માંચાર્ય જગદ્ગુરૂ શ્રી કૃષ્ણમણીજી મહારાજ, સ્વામી શ્રી લક્ષ્મણદેવજી મહારાજ, શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિના દિલીપભાઈ આશર, કિંજલભાઈ કારસરીયા, ભીમશીભાઈ પિઠીયા, વિશ્વ હિન્દુ પરિષદના જામનગર વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, નવતનપુરી ધામ ખીજડા મંદિર ટ્રસ્ટી મનસુખભાઈ સંઘાણી સહિતના અગ્રણીઓ દ્વારા ખીજડા મંદિર ખાતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તૈયારી ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આવતીકાલે નીકળનાર શ્રીકૃષ્ણ જન્મની સાર્વજનિક શોભાયાત્રામાં સૌ નગરજનોને અને ધર્મ પ્રેમીઓને ઉપસ્થિત રહેવા શ્રી પાઠ નવતનપુરી ધામ ખીજડા મંદિર ના આચાર્યશ્રી 108 કૃષ્ણમણિજી મહારાજ અને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા ખાસ અનુરોધ કરાયો છે.
રિપોર્ટર કિંજલ કરસરિયા

