રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. હવે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ રેલીઓ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
આજે સાંજે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર વિસ્તારમાં 500થી વધુ રાજપૂત સમાજના લોકો દ્વારા એક કિલોમીટર લાંબી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજપૂત સમાજની 200થી વધુ મહિલાઓ રેલીમાં જોડાઈ હતી અને ‘રૂપાલા હાય હાય’ના નારા લગાવી છાજીયા લીધા હતા. મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રેલીમાં અંદાજે 500થી વધુ મહિલાઓ અને પુરુષો જોડાયા
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કૃષ્ણનગર રાજપૂત સમાજ દ્વારા આજે સાંજે નોબલ સ્કૂલ પાસે મહારાણા પ્રતાપ ચોકથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ કેસરી સાડી અને પુરુષો સફેદ શર્ટ અને સાફામાં રેલીમાં જોડાયા હતા.
રેલીમાં અંદાજે 500થી વધુ મહિલાઓ અને પુરુષો જોડાયા હતા મહારાણા પ્રતાપ ચોકથી રેલી નીકળી જય સોમનાથ (દરબાર સોસાયટી) થઈ અને પરત મહારાણા પ્રતાપ ચોક ખાતે પહોંચી હતી. રેલીમાં રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનોએ રૂપાલા હાય હાય ના નારા લગાવ્યા હતા.

પુરુષોત્તમ રૂપાલાનું પોસ્ટર સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું
મહિલાઓએ રૂપાલાના નામના છાજીયા લઈ ટિકિટ રદ કરવા માંગ કરી હતી. કૃષ્ણનગર વિસ્તારમાં નીકળેલી રાજપૂત સમાજની રેલીમાં નરોડા, કૃષ્ણનગર અને નવા નરોડા આસપાસ વિસ્તારમાં રહેતા રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા હતા.
બે દિવસ પહેલા પણ નરોડા વિસ્તારમાં લોકોએ રેલી કાઢી અને પુરુષોત્તમ રૂપાલાનું પોસ્ટર સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમ જ રેલી પણ યોજી હતી. નરોડા વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં ભાજપના પ્રવેશબંધીના પોસ્ટર પર લગાવ્યા હતા.

