ઉપલેટામાં વિવિધ ગામોમાં ચુનાવ પાઠશાળા દ્વારા મતદાતા જાગૃતિ ફેલાવાઈ

ઉપલેટાની ટી.જે. કન્યા વિદ્યાલય ખાતે વિદ્યાર્થિનીઓએ ચિત્ર અને રંગોળી સ્પર્ધામાં મતદાતા જાગૃતિના રંગો પૂર્યા

લોકસભા ચુંટણી ૨૦૨૪ને અનુલક્ષીને સ્વીપ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વ્યાપક આયોજનો દ્વારા મતદાનનો દર વધે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપક્રમે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં વિવિધ ગામોમાં ચુનાવ પાઠશાળા દ્વારા તેમજ શાળામાં રંગોળી અને ચિત્ર સ્પર્ધા દ્વારા મતદાતા જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

ઉપલેટાની ટી.જે. કન્યા વિદ્યાલય ખાતે વિદ્યાર્થિનીઓએ રંગોળી સ્પર્ધામાં મતદાતા જાગૃતિના રંગો પૂર્યા હતાં. ચિત્ર સ્પર્ધા અંતર્ગત વિદ્યાર્થીનીઓએ મતદાન અંગે જાગૃતિ ફેલાવતા સંદેશાઓની વિવિધરંગી અભિવ્યક્તિ કાગળ પર ચિત્રો દોરીને તેમજ અસરકારક સૂત્રો લખીને કરી હતી. વધુમાં વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવીને ૭ મેના રોજ મતદાન કરવા માટે પોતાના પરિવારજનોને પ્રેરિત કરે તેવી અપીલ કરવામાં આવી હતી.
ઉપલેટાના નીલાખા, ઈસરા, ગઢેથડ ગામોમાં યોજાયેલા ચુનાવ પાઠશાળા કાર્યક્રમોમાં મતદાનની આવશ્યકતા નાગરિકોને સમજાવવામાં આવી હતી તેમજ મતદાન શપથ લેવડાવવામાં આવી હતી. ઇસરા ગામે લોકશાહીના અવસરની આમંત્રણ પત્રિકાઓ નાગરિકોમાં વિતરિત કરવામાં આવી હતી. સ્વસ્થ લોકશાહી માટે દરેક નાગરિક પોતાની મતદાનની પવિત્ર ફરજ નિભાવે તે આવશ્યક છે, જે સુનિશ્ચિત કરવા ગામોગામ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજીને વધુમાં વધુ લોકોને ચુંટણીમાં ઉત્સાહપૂર્વક મત આપવા સજ્જ કરવામાં આવી રહ્યાં છે.


