જામનગર શહેરના કિસાન ચોક પાસે આવેલા ચૂનાના ભઠ્ઠા પાસે મહિલાએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા બાદ બાજુમાં રહેતા પાડોશીઓ દ્વારા અવારનવાર મહિલા તથા તેના પુત્રને જ્ઞાતિ વિશે હડધૂત કરી અપમાનિત કરતા મંગળવારે રાત્રે આ બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી બાજુમાં રહેતા મુસ્લિમ પરિવાર દ્વારા મહિલા, તેના પતિ અને સાસુ પર પ્રાણઘાતક હુમલો કરતા તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. જ્યાં પોલીસે હત્યાની કોશિષ, એટ્રોસિટી સહિતની કલમો લગાવી ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

જામનગરના ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં આવેલી ઢોલીયા પીરની દરગાહ પાસે રહેતા નર્મદાબેન અહેમદરઝા નાઈ (ઉ.વ.30)નો 10 વર્ષનો પુત્ર રોનક ઘર પાસે રમતો હતો ત્યારે આઈશાબેન જુમા ખફીએ તે બાળકને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી અહીં રમતો નહીં તેમ કહી કાઢી મૂક્યો હતો તેથી નર્મદાબેન ત્યાં ગયા હતા.
મહિલાએ થોડા વખત પહેલાં અહેમદરઝા મહંમદહુસેન નાઈ સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી આ વ્યક્તિઓ તેઓને જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહી હડધુત કરતા હતા અને તેમાં નર્મદાબેનના પુત્રને આમ કહેવાતા નર્મદાબેને પુત્રનો પક્ષ લીધો હતો.
આથી ઉશ્કેરાયેલા અસરફ જુમા, જાવિદ અને આરીફે ગાળો ભાંડી હતી અને આઈશાબેન, શરીફાબેન, વલીભાઈની પૌત્રી, સીરીનબેને ઝઘડો કરી નર્મદાબેનને ઢીકાપાટુથી માર મારી વાળ પકડીને ઢસડ્યા હતા. આ વેળાઅ અહેમદરઝા તથા નર્મદાબેનના સાસુ નુરજહાંબેન, સસરા મહંમદહુસેન વચ્ચે પડતા તેઓને મારી નાખવાના ઈરાદાથી અસરફ જુમાએ માથામાં પાઈપ ફટકાર્યાે હતો. જ્યારે જાવિદ અને આરીફે પાઈપથી અહેમદરઝા પર હુમલો કર્યાે હતો. શરીફાબેન અને સીરીનબેને લાદીના ટૂકડાના ઘા કર્યા હતા.
ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી નર્મદાબેન અહેમદરઝાએ પોલીસમાં અસરફ જુમા ખફી, જાવેદ જુમા ખફી, આરીફ જુમા, આઈશા જુમા, વલીભાઈની પૌત્રી સરીફાબેન જાવેદ ખફી, સીરીનબેન સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

