યાત્રાધામ દ્વારકાના સ્વામિનારાયણ આશ્રમમાં 26મી મેથી પ્રથમ વાર્ષિક પાટોત્સવ અંતર્ગત શ્રીમદ્ સત્સંગિજીવન પંચાન્હ પારાયણ યોજાશે.
યાત્રાધામ દ્વારકામાં નાગેશ્વર રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ આશ્રમ ખાતે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે દેવભૂમિ દ્વારકામાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ આદિ દેવોના પ્રથમ વાર્ષિક પાટોત્સવ નિમિત્તે આગામી તા.26ને રવિવારથી તા.30 ને ગુરૂવાર સુધી શ્રીમદ્ સત્સંગિજીવન પંચાન્હ પારાયણનું ભવ્ય આયોજન કરાયુ છે.
સંસ્થાના પ્રેરક તથા સંસ્થાપક ગોવિંદપ્રસાદદાસજી સ્વામીના માર્ગદર્શનમાં યોજાનાર પંચાન્હ પારાયણ કથામાં દરરોજ સવારે 9.00 થી 11.30 તથા બપોરે 3.00 થી 6.00 સુધી કથાવકતા શા.સ્વા. રાધારમણદાસજી (રાજકોટ – જામજોધપુર) ની સંગીતમય શૈલીમાં ઉપસ્થિત હરિભકતોને કથાનું રસપાન કરાવવામાં આવશે.
આ સંસ્થાના સ્થાપક સ્વામી ગોવિંદપ્રસાદજીએ તેમનું સંપૂર્ણ જીવન દ્વારકાના ગોમતી રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ઘનશ્યામ મહારાજ તથા આવનારા હરિભકતોની સેવામાં વ્યતિત કર્યુ છે. હાલમાં તેમણે હરિભકતોના સહયોગથી કો.સ્વા. જેપી સ્વામી તથા દીપુભગતના સહકારથી નવા સંકુલનું થોડા સમય પહેલા જ નિર્માણ કર્યુ છે.
આ નવા સંકુલમાં ઘનશ્યામ મહારાજ તથા આદિ દેવોની અલૌકિક મૂર્તિઓ સ્થાપિત છે. હરિભકતો માટે આ સંસ્થા એક દર્શનીય સ્થળ છે. તેમજ હરિભકતો માટે રહેવા તથા ભોજન માટે તેમજ સત્સંગ માટે પણ અલાયદી વ્યવસ્થા ઉપલબ્ધ છે.

