Gujarat

8 વર્ષ પછી સૌથી વધુ 46 ડિગ્રી ગરમી, છેલ્લી મેચમાં 90 હજાર પ્રેક્ષકો

હીટવેવની અસરના કારણે બુધવારે શહેરમાં સિઝનનું સૌથી વધુ 46 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અગાઉ 2016માં 20 મેએ 48 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલની છેલ્લી મેચમાં પણ અંદાજે 87થી 90 હજાર પ્રેક્ષકો મેચ જોવા પહોંચ્યા હતા. મેચ દરમિયાન 69 લોકોને હીટસ્ટ્રોકની અસર થતાં સારવાર આપવી પડી હતી.

રાત્રે 11 વાગ્યે પણ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. શહેરમાં સવારે પવનની ગતિ ઘટીને શૂન્યથી બે કિલોમીટર થઈ હતી. જેને કારણે સવારે 11.30 કલાકે 37 ડિગ્રી તાપમાન હતું. પરંતુ પવન ગતિ ઘટવાને કારણે 39 ડિગ્રી જેટલી ગરમી અનુભવાઈ હતી.

2016 પછી શહેરમાં સૌથી વધુ 45.9 ડિગ્રી ગરમી નોંધાઈ

બુધવારે અમદાવાદમાં સિઝનનું સૌથી વધુ 45.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ અગાઉ વર્ષ 11 મે 2022ના રોજ 45.8 ડિગ્રી ગરમી નોંધાઇ હતી. તેમજ વર્ષ- 2016ની 20 મેના રોજ અમદાવાદમાં અોલ ટાઇમ રેકોર્ડબ્રેક 48.0 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ બુધવારે એટલે કે 8 વર્ષ પછી અમદાવાદમાં સૌથી વધુ ગરમી નોંધાઇ છે.

AMTS-BRTSમાં 50 હજાર પેસેન્જરનો ઘટાડો નોંધાયો

આકરી ગરમીને કારણે લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જેના કારણે એએમટીએસમાં 30 હજાર જ્યારે બીઆરટીએસમાં 20 હજાર મળી બંને સેવામાં 50 હજાર પેસેન્જરનો ઘટાડો થયો છે. કાંકરિયા, પુષ્પકુંજ અને શાહઆલમ પાસે મુકાયેલા સ્પ્રીંકલર પણ બંધ થઈ ગયા છે. શાહઆલમ પાસે તો મોટર પણ ચોરાઈ ગઈ છે.

શુક્રવાર સુધી રેડ અને શનિથી સોમ સુધી ઓરેન્જ એલર્ટ અપાયું

છેલ્લા એક સપ્તાહથી ગરમીનો પારો 43થી 45 ડિગ્રી વચ્ચે રહ્યો છે. મ્યુનિ.એ ગુરુવારથી શુક્રવાર સુધી રેડ એલર્ટ અપાયું છે. એટલે કે ગરમીનો પારો 45થી વધુ રહે તેવી શક્યા છે. શનિવારથી સોમવાર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં તાપમાન 43થી 44 ડિગ્રી વચ્ચે રહી શકે છે. મ્યુનિ. હોસ્પિટલોમાં ગરમી સંબંધિત બીમારીના 67 કેસ નોંધાયા છે.