Gujarat

જામનગર જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ

જામનગર મા જિલ્લા કલેકટર બી.કે.પંડયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર શહેરના અતિવ્યસ્ત વિસ્તારોમાં વનવેમાં રોંગ સાઈડથી આવતા વાહનોને રોકવા માટે ઈ- મેમોની કામગીરી કડક બનાવવી, જામનગર લાલપુર હાઇવે પર ક્રેશ બેરીયર મુકાવવા, ઝીરો ફેટેલીટી કોરિડોરનું નિર્માણ થાય, રખડતા ઢોરને પકડવાની કામગીરી, જાહેર માર્ગો પર સૂચના આપતા બોર્ડઝ લગાવવા, કેનાલની આસપાસ પ્રોટેક્શન વોલ બનાવવી વગેરે કાર્યો અત્યારે હાથ ધરવામાં આવ્યા છે.

જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી ચાલી રહી છે. તાજેતરમાં જિલ્લા સમર કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં બાળકોને માર્ગ સલામતીના નિયમો વિશે જાગૃત કરાયા હતા.

સમગ્ર જિલ્લામાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ બાળકોની સલામતીને ધ્યાનમાં રાખતા ત્યાં અલગથી પાર્કિંગ ઝોન બનાવવા વિષે વિચારણા ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષ દરમિયાન આરટીઓ કચેરી દ્વારા આયોજિત 21 જેટલા કાર્યક્રમોમાં 1855 જેટલા લાભાર્થીઓએ માર્ગ સલામતીના નિયમો વિષે જાણકારી મેળવી છે. ટેક્સી પાર્કિંગ, આર.સી. બુક વગેરે જરૂરી સાધનિક કાગળો વગરના 20 સ્કૂલ વર્ધી ચાલકોને દંડ કરવામાં આવ્યો છે.

તેમજ સીએનજી ટેન્કવાળા વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉક્ત બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, પ્રાંત અધિકારીઓ તેમજ સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.