Gujarat

હરણી રોડ ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તુલસીવાડીના બૂટલેગરની હત્યા

હરણી રોડ શેલ પેટ્રોલપંપ બહાર જૂની અદાલતે તુલસીવાડીમાં રહેતા બુટલેગર પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેની હત્યા કરાઈ હતી. અગાઉ થયેલી માથાકૂટ બાદ વાહન પર આવેલા હુમલાખોરોએ યુવક પર ઉપરાછાપરી હુમલો કરતા બુટલેગર લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.

જેને સયાજી હોસ્પિટલમાં લઈ જતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાના પગલે ઘટના સ્થળે તેમજ સયાજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોક ટોળા એકત્ર થયા હતા. શહેરના તુલસીવાડી વિસ્તારમાં રહેતા સાજીદ શેખ ઉર્ફે ચંદુ તાજીયાવાળા સાંજે હરણી રોડ પર આવેલા સેલ પેટ્રોલ પંપ બહાર પોતાનું મોપેડ લઈને જઈ રહ્યો હતો.

તે સમયે વાહનો પર આવેલા પાંચથી વધુ હુમલાખોરોએ તેની પર તીક્ષ્ણ હથિયાર વડે ઘા માર્યા હતા. ઘટનાના પગલે સાજીદ શેખ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.

તેના ગળે ઇજા થતા તેને SSG ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તેઓએ હુમલાખોરોને શોધવાની તજવીજ હાથ ધરી હતી. ડીસીપી લીના પાટીલે જણાવ્યું હતું કે, મૃતકના બીજા લગ્ન થયા હતા.

આ ઘટના કેવી રીતે બની છે તેના ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સૂત્રો મુજબ પાંચથી વધુ હુમલાખોરોએ દોડાવી દોડાવી કોસ અને સાંકળથી ગળું દબાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

સાજીદના ભાઇ અબ્દુલ સલીમે જણાવ્યું કે સાજીદના એક મહિના પહેલા શબનમ નામની છોકરી સાથે લગ્ન થયા હતા. તેના પરિવારને સાજીદ ના પસંદ પડતા તેની માતા અને તેના ભાઈઓએ સાજીદને ધમકી આપી હતી કે તારું મર્ડર કરી નાખીશું, તેના કારણે જ મર્ડર થયું છે.