Gujarat

અમરેલીમાં નાયબ દંડકની ઉપસ્થિતિ વચ્ચે લોકોએ યોગ કર્યા, વિવિધ યોગાસનની પ્રસ્તુતિ થકી વાતાવરણ યોગમય બન્યું

ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે, मनः प्रशमनोपायो योग इत्यभिधीयते ॥ અર્થાત્ મનને પ્રસન્ન રાખવા માટે યોગ જરુરી છે. ‘યોગ: કર્મસુ કૌશલમ્’ સૂત્રમાં કર્મયોગનું ચિંતન રજૂ થયું છે. યોગએ આપણી પ્રાચીન ઋષિ પરંપરાની અમૂલ્ય ભેટ છે સાથે યોગ થકી શરીર અને આત્માનું જોડાણ શક્ય બને છે.10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ સાથે અમરેલી શહેરમા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મનોરમ્ય વાતાવરણમાં અમરેલી જિલ્લાકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના નડાબેટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.જ્યારે અમરેલીમાં ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને સ્થાનિક ધારાસભ્ય કૌશિક વેકરિયા, જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ,અધિકારી-કર્મચારીઓ, જિલ્લાના નાગરિકો, ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત ઉજવણીમાં જોડાયા હતા. વિવિધ યોગાસન પ્રસ્તુતિ થકી વાતાવરણ યોગમય બન્યું હતું.

યોગ થકી આપણી આંતરિક સુખાકારી વધે છે. યોગએ તણાવમુક્ત, આરોગ્યપ્રદ જીવનશૈલી માટે ઉત્તમ ઉપાય છે. અમરેલી જિલ્લામાં તમામ તાલુકાકક્ષાએ પણ ઉત્સાહભેર યોગ દિવસ ઉજવણી થઈ હતી.

10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અમરેલી જિલ્લાકક્ષાની ઉજવણી પ્રસંગે વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાએ જણાવ્યું કે, આજે સમગ્ર વિશ્વ યોગમય બન્યું છે યોગ એ આપણી પ્રાચીન ઋષિ પરંપરાની અમૂલ્ય ભેટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંનિષ્ઠ પ્રયાસો થકી સમગ્ર વિશ્વમાં યોગનું મહત્વ પ્રસ્થાપિત થયું.