સમારંભ જ્ઞાતિમિલન સાથે સામાજિક સમરસતાના પ્રતિક સમો તથા નવી પેઢીને પ્રેરણાદાયી બની રહયો
*તીર્થ સ્થાનોમાં પર્યાવરણ અને વાતાવરણ પરિવર્તન- પડકાર પર પીએચ.ડી થનાર પ્રો.ડો. પથિક જી.ભટૃ જ્ઞાતિગૌરવ રૂપે સન્માન*
ભરૂચઃ- ધર્મ અને સંસ્કૃતિની રક્ષા ખાતર સદીઓ પૂર્વે મેવાડ-રાજસ્થાનથી ગુજરાતમાં આવેલા ત્રિવેદી મેવાડા બ્રાહમણો માટેનો શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહમણ કલ્ચરલ એસોસીએશન-વડોદરાના ઉપક્રમે વિધાર્થી પ્રેરણા પુરસ્કાર સમારંભ મોટનાથ મહાદેવ ખાતે સંસ્થાના પ્રમુખ મહેન્દ્ર એમ.ઠાકોર, કો.ઓર્ડિનેટર નયનેશ એમ.ઠાકોર, ઉપપ્રમુખ હાર્દિક એચ.ઉપાધ્યાય, મંત્રી આશિષ મહેતાએ આયોજિત કરતા સુંદર પ્રતિસાદ સાંપડયો હતો. બાલકૃષ્ણ ભટૃના મંગલગાન પછી કાર્યક્રમનું સંચાલન પ્રો.બિપિનચંદ્ર ત્રિવેદીએ સંભાળયું હતું.
આ કાર્યક્રમમાં તીર્થ સ્થાનોમાં પર્યાવરણ અને વાતાવરણ પરિવર્તન- પડકાર પર પીએચ.ડી થનાર પ્રો.ડો. પથિક જી.ભટૃ જ્ઞાતિગૌરવ રૂપે સન્માન પત્ર સહ અભિનંદિત થયા હતા. નવા ટ્રસ્ટીઓ આશુતોષ મહેતા, જિજ્ઞેશ મહેતા, અશ્વિન જોશી, જયપ્રકાશ ઉપાધ્યાય, જંબુસરના નિવૃત્ત રેન્જ ફોરેસ્ટર જીતેન્દ્ર શુકલ, પેન્શનરોની સેવા કરતા અગ્રણીઓ હર્ષદ શાહ, ભૂતપૂર્વ ટ્રેઝરી ઓફિસર કાન્તિભાઇ પટેલ, જંબુસરના સ્વા.સૈનિક પરિવારના અરૂણ પુ.શાહ, વગેરેને સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમના હસ્તે પુરસ્કૃત વિધાર્થીઓના ઉત્સાહની ઝલક અનેરી હતી. આ વેળાએ પૂર્વ ઉપપ્રમુખ ડો. ભરત ઠાકરની હાજરી પ્રેરક રહી હતી. શહીદ સૈનિકો તથા સ્વર્ગસ્થ જ્ઞાતિબંધુઓને શ્રધ્ધાંજલિ બાદ સૌએ સ્નેહભોજનનો લાભ લીધો હતો. આ સમારંભ જ્ઞાતિમિલન સાથે સામાજિક સમરસતાના પ્રતિક સમો તથા નવી પેઢીને પ્રેરણાદાયી બની રહયો.

