છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદે વિરામ લીધો છે. જૂનાગઢમાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં તાપમાનનો પારામાં વધારો જોવા મળ્યો હતો. હાલમાં તાપમાન વાદળછાયું જોવા મળી રહ્યું છે.

ત્યારે આગામી દિવસોમાં 26, 27, 28 અને 29 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. જ્યારે બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે.
આ વરસાદ આવવા પાછળનું કારણ સાયકલોનિક સર્ક્યુલેશન મધ્યભાગથી ગુજરાત તરફ ગતિ કરશે. જે છત્તીસગઢ, મધ્યપ્રદેશ થઈ અને ગુજરાત તરફ આગળ વધશે. આ સાઇક્લોનિક સર્ક્યુલેશન 26 તારીખ સાંજના સમયે ગુજરાતમાં પ્રવેશ કરશે. જ્યારે પવનની ઝડપ 35 થી 40 કિ.મી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે.
જૂનાગઢ હવામાન નીષ્ણાંત ધીમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, હાલ છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં વધારો થયો હતો. હાલ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. આગામી ત્રણ દિવસ હજુ પણ વાતાવરણની વાત કરવામાં આવે તો આકાશમાં અંશત: વાદળો ઘેરાયેલા રહેશે. જેના કારણે ગરમીનું પ્રમાણ પણ આગામી ત્રણ દિવસ વધુ રહેશે.
તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી રોજિંદા કામકાજના સમયમાં શરીરમાં પરસેવો પણ વધારે જોવા મળશે. આગામી સમયમાં વાતાવરણમાં ફેરફારના કારણે વરસાદની શક્યતાઓ પણ ઓછી જોવા મળી રહી છે.

