દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાના પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહૂતિ સાથે ભાદરવા સુદ ચોથથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે.
ત્યારે વડોદરાના શ્રી બાપા આર્ટના યુવાન મૂર્તિકારો રિદ્ધિ અને દેવેન્દ્ર દ્વારા બાર જ્યોતિર્લિંગ પૈકી એક એવા સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવનના મંદિરમાં ઉજવાનાર ગણેશ ઉત્સવ માટે શ્રીજીની મૂર્તિ બનાવવામાં આવી છે.

આ યુવાન મૂર્તિકારો દ્વારા માત્ર 3 કલાકમાં જ માટીમાંથી મંગલમૂર્તિની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. સમગ્ર દેશમાં અપાર ઉત્સાહ અને ઉમંગભેર ભાદરવા સુદ ચોથથી આનંદ ચૌદસ સુધી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.
અનેક પરિવારો દ્વારા પોતાના ઘરમાં તેમજ મંદિરોમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે. અને ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે.
આ ઉપરાંત નાના-મોટા સાર્વજનિક મંડળો દ્વારા પણ વિવિધ સ્વરૂપોમાં શ્રીજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને અપાર શ્રદ્ધા અને અનેરા ઉત્સાહ સાથે દસ દિવસ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.

