ખેતીવાડી વિભાગ, બાગાયતી વિભાગ તેમજ આત્મા પ્રોજેક્ટના સંયુક્ત પ્રયાસથી આદરેલુ પ્રાકૃતિક કૃષિ અભિયાન
ભૂગર્ભ જળ સ્તરને સુધારવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવી જરુરી
દાહોદના વિવિધ ગામોમા જઇને ખેડુતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામા આવી રહી છે.
જળ અને પ્રકૃતિની સાથોસાથ મનુષ્યના સ્વાસ્થ્ય માટે પણ લાભકારી
દાહોદ: દેશભરની સાથોસાથ સમગ્ર ગુજરાત રાજ્યના તમામ ખેડુતો પ્રાકૃતિક ખેતી અપનાવીને ગુજરાતની ધરતી પર પણ પ્રાકૃતિક ખેતી જ લહેરાય એવા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના મિશન હેઠળ રાજયભરમાં પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રગતિશીલ ખેડુતો દ્વારા અન્ય ખેડુતોને પણ કુદરતી ખેતી અપનાવવા માટેની હાકલ કરવામા આવી રહી છે.
ખેતીવાડી વિભાગ, બાગાયતી વિભાગ, આત્મા પ્રોજેક્ટના તેમજ પ્રગતિશીલ ખેડુતોના સંયુક્ત પ્રયાસથી સમગ્ર દાહોદ જિલ્લાના ખેડુતોને પ્રાકૃતિક કૃષિ વિશેની વિસ્તાર પુર્વક જાણકારી આપવામા આવી રહી છે. તો પ્રેક્ટીકલ દ્વારા કુદરતી ખાતર કઇ રીતે બનાવવુ, તેને વાપરવા માટેની પદ્ધતિ, જીવામૃત, ઘન જીવામૃત, દેશી બિયારણ સાચવવાની પદ્ધતિ, કુદરતી ખેતી અપનાવવાથી થતા ફાયદાઓ વિશે વિગતે સમજાવવામા આવે છે.
દેશી અળસિયાનુ મહત્વ સમજાવવાની સાથોસાથ કેવી રીતે દેશી અળસિયા જમીનને પોષક તત્વો આપી જળસિંચનનું કામ કરે છે એ સરળતાથી ખેડુતો સમજી શકે એમ સમજાવવામાં આવે છે. ખેતરમાં મોટી સંખ્યામાં અળસિયા હોય તો એણે કરેલા છીદ્રો થકી ઓક્સીજન જમીનની અંદર પહોંચે છે, જેનાથી જમીનની ફળદ્રુપતા અને ભેજ વધે છે. પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી દેશી ખાતર, અળસિયામા વધારો તેમજ કુદરતી ખેતી પદ્ધતિની અસરના કારણે પાણી જમીનની અંદર પહોંચે છે જેથી કરીને જમીનની પાણીની સંગ્રહ શક્તિ વધે છે.
ભૂગર્ભ જળ સ્તરને સુધારવા માટે પ્રાકૃતિક કૃષિ નોંધપાત્ર ફાળો આપી શકે છે. પ્રાકૃતિક ખેતી થતી હોય તેવા ખેતરોમાં વધુ અળસિયા અને સુક્ષ્મજીવો હોવાના કારણે જમીનમાં છિદ્રોનું પ્રમાણ વધી જાય છે. છોડના મૂળને લાંબા સમય સુધી પાણી ઉપલબ્ધ રહે છે. જમીનમાં પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો થવાને કારણે પણ છોડને લાંબા સમય સુધી પાણી ઉપલબ્ધ રહે છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં અળસિયાની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. જમીનમાં રહેતા દેશી અળસિયા જમીનના ભૌતિક ગુણધર્મોમાં નોંધપાત્ર સુધારો કરે છે.
પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતા વધવાની સાથોસાથ તેનાથી ઉત્પાદિત થતા પાક જેવા કે, શાકભાજી-ફળો અથવા અનાજની ગુણવત્તામા પણ વધારો થાય છે. ઉત્પાદન વધવાથી ખેડુતોની આર્થિક આવક પણ અનેકગણી વધી જાય છે. રાસાયણિક ખાતરથી કરેલી ખેતીની તુલનાએ પ્રાકૃતિક ખેતી આરોગ્યપ્રદ છે. શરુઆતમા તેનુ ઉત્પાદન ઓછુ હોય છે, પરંતુ પાછળથી તેનુ ઉત્પાદન પણ સારૂ થાય છે. ખેડૂતના મિત્ર તરીકે જાણીતા અળસિયા ઝેર-યુક્ત રાસાયણિક ખેતીના કારણે જોવા મળતા ન હતા કારણ કે, કેમિકલ યુક્ત ખાતર અને જંતુનાશક દવાથી અળસિયા મૃત્યુ પામે છે. જેની ગેરહાજરીના કારણે જમીન કઠણ અને મૃત:પ્રાય બની જાય છે.
અત્યારના સમયમા રાસાયણિક ખાતર અને દવાઓનો વ્યાપ વધી રહ્યો છે, ખેડુતોની રાસાયણિક ખેતી પદ્ધતિના ઉપયોગથી ખેતીમાં ઉત્પાદકતા ઘટી રહી છે, જમીનની ફળદ્રુપતા પણ ઓછી થઈ ગઈ છે ત્યારે આજના સમય માં પ્રાકૃતિક ખેતી ખૂબ મહત્વ રૂપ બની ગઈ છે. જમીનના સંરક્ષણ માટે જરૂરી એવી પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરોનો બિલકુલ ઉપયોગ થતો નથી, જે જમીનના પોષક તત્વોને સચોટ રીતે જાળવે છે. તે જમીનમાં જરૂરી મિત્ર કીટકોને જાળવી ખેતી માટે અનુકૂળ વાતાવરણનું સર્જન કરે છે. જેથી માટીની ફળદ્રુપતા અને ઉત્પાદકતા વધારવામાં મદદરૂપ સાબિત થાય છે. કુદરતી ખેતી સમ્પુર્ણપણે દેશી પદ્ધતિ હોવાથી વધારાનો ખર્ચ નહિવત હોય છે. કુદરતી ખેતી આર્થિક આવકમા ફાયદા તેમજ જમીન, જળ અને પ્રકૃતિની સાથોસાથ મનુષ્યના સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે.
૦૦૦રિપોર્ટર :- ઝેની શેખ






