Gujarat

જસદણ-વિંછીયા પંથકને બે કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ

રૂ. ૧. ૬૬ કરોડના ખર્ચે આંબરડી-કાસકોલીયા રોડનું ખાતમુહુર્ત તથા

રૂ. ૬૦ લાખના ખર્ચે આંબરડીમાં નિર્મિત સી.સી.રોડ નું લોકાર્પણ

ગ્રામ પંથકમાં શહેરો જેવી સુવિધા વિકસે તે માટે

રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે – મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

રાજકોટ તા. ૨૧ સપ્ટેમ્બર – જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ-વિંછીયા પંથકમાં ૨ કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી હતી. જેમાં જસદણના આંબરડી ગામ ખાતે અંદાજિત ૧ કરોડ ૬૬ લાખના ખર્ચે આંબરડી-કાસકોલીયા રોડ તથા વિંછીયાના દેવધરી ગામ ખાતે અંદાજિત રૂ.૨.૫૦ લાખના ખર્ચે સી. સી.બ્લોકના કામોનું ખાતમુહુર્ત તેમજ રૂ. ૬૦ લાખના ખર્ચે આંબરડી ગામમાં નિર્મિત સી.સી.રોડ – સુવિધા પથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

        આ તકે મંત્રીશ્રી બાવળીયાએ કહ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં શહેર જેવી સુવિધાઓનું નિર્માણ થાય તે માટે રાજ્ય સરકાર ચિંતા કરી રહી છે. શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વીજળીની તમામ સુવિધાઓ લોકોને ત્વરિત મળે તે માટે સરકાર અનેક વિકાસકાર્યો હાથ ધરી રહી છે. મંત્રીશ્રીએ દીકરીઓની કેળવણી પર ભાર મુકતા ઉમેર્યું હતું કે, અગાઉ વિસ્તારની દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે બહારગામ જવું પડતું હતું. વિસ્તારની અનેક દીકરીઓને બહારગામ અભ્યાસ કરવા ન જઈ શકવાથી તેમનું આગળનું ભણતર અટકયુ હતું પરંતુ ગામમાં સરકારી હાઈસ્કૂલ બની અને આજે અનેક દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધી રહી છે. આ સાથે આગામી સમયમાં પણ પાટીયાળી, મોઢુકા ખાતે સરકારી હાઈસ્કૂલ નિર્માણ પામી રહી છે તેમજ શિવરાજપુર અને કડુકા ખાતે હાઈસ્કૂલની મંજૂરી પણ મેળવી લેવામાં આવી છે.

        રસ્તા શહેરો જેવા બને તે માટે દેવધરી થી આંકડીયા ગામ સુધીનો અંદાજે રૂ. ૨.૫ કરોડનો રોડ પણ મંજૂર કરવામાં આવ્યો છે.ગ્રામ વિસ્તારમાં વિકાસ કાર્યો વધુ આગળ ધપે તે માટે પણ ગ્રામજનો વિવિધ યોજનાના લાભો લે તેમ મંત્રીશ્રીએ અપીલ કરી હતી. વળી, સ્વચ્છતા હી સેવા અંતર્ગત લોકોને સ્વચ્છતા અંગે ગંભીર બની ઘર આંગણે કે ગ્રામ વિસ્તારમાં ગંદકી ના થાય અને લોકોની તંદુરસ્તી સારી રહે તે માટે સ્વચ્છતા અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું.

        લોકોને પીવાનું પાણી પૂરતી માત્રામાં મળે તે માટે જસદણ- વિંછીયા પંથકમાં વ્યક્તિ દીઠ ૧૦૦લીની માત્રાનું પાણી પહોંચાડી શકે તે માટેની પાઇપલાઇન અને યોજનાઓ મંજૂર કરાઈ છે. ભવિષ્યની પેઢીને વિકસિત ગામ, સુંદર ગામ મળે તે માટે આગામી દિવસોમાં અન્ય વિવિધ સુવિધાઓનું પણ નિર્માણ કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

        આ પ્રસંગે ગોડલાધારનાં સરપંચ અને અગ્રણી અશોક ચાંઉ, જસદણના મામલતદાર શ્રી એમ.ડી.દવે, વિંછીયાના મામલતદાર શ્રી આર.કે પંચાલ તાલુકા વિકાસ અધિકારી શ્રી પાર્થરાજસિંહ પરમાર,  તાલુકા વિકાસ અધિકારી જસદણ શ્રી માંડલીયા, માર્ગ મકાન અધિકારી શ્રી ઝાલા, દેવધરી ,આંબરડી, મોઢુકા ,ગઢકાના સરપંચ સર્વશ્રીઓ, ગ્રામ વિસ્તારના આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.