રાજકોટમાં ફરી એક વખત ગેસ રિફિલિંગનું કૌભાંડ સામે આવ્યું છે. જિલ્લાના ત્રંબા ગામે એક શખસ ભાડાના મકાનમાં ગેસ રિફિલિંગ કરી આપતો હોવાની બાતમીના આધારે આજી ડેમ પોલીસે રેડ પાડી હતી.
અને ઘરેલું તેમજ કોમર્શિયલ ગેસના 67 બાટલા કબજે કર્યા હતા. પોલીસે કુલ 1.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે 52 વર્ષિય મહેન્દ્ર ઉર્ફે મહેશ સવસાણીને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે. જે મૂળ જૂનાગઢના મેંદરડાના આલીદરનો વતની છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ જૂનાગઢના મેંદરડા તાલુકાના આલીદરનો વતની અને ત્રંબામાં વડાળી રોડ ઉપર ગોરધનભાઈ પટેલના મકાનના ભાડેથી દુકાન ચલાવતો 52 વર્ષિય મહેન્દ્ર ઉર્ફે મહેશ પરષોત્તમ સવસાણી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતો હોવાની બાતમીના આધારે આજી ડેમ પોલીસે રેડ પાડી હતી.
દરમિયાન આ શખસ પોતાના આર્થિક ફાયદા સારુ જાહેર વિતરણ માટેના ઇન્ડીયન તથા ભારત ગેસના તથા અન્ય કંપનીના બાટલા મેળવી ઘરેલું વપરાશ માટેના ગેસનો પુરવઠો, એલ.પી.જી. ગેસના બોટલો મેળવી અલગ અલગ વ્યકિતને રિફિલિંગ કરી આપી વેચાણ કરતો હતો અને સીલ કાઢી ખાલી બોટલોમાં ભરી સળગી ઉઠે તેવા પદાર્થ અંગે બેદરકારી ભર્યું આચરણ કરતો હતો.

