અમદાવાદ એરપોર્ટ સહિત દેશભરના અદાણી દ્વારા સંચાલિત એરપોર્ટ ઉપર મુસાફરોને ગઈકાલથી લાઉન્જ એક્સેસ મળી રહ્યું નથી. આ એક્સેસ ક્યા કારણોસર બંધ છે? તે અંગે સ્પષ્ટ માહિતી ન મળતા સોશિયલ મીડિયામાં મુસાફરોએ પોતાને પડેલી અગવડતાઓની ફરિયાદ કરી હતી. અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ગઈકાલે બપોરથી જ મુસાફરો માટે લાઉન્જ એક્સેસ બંધ થયું હતું.
આ એક્સેસ બંધ થતાં અમદાવાદ એરપોર્ટ પર લાઉન્જ એક્સેસ મેળવતા મુસાફરો ચેક-ઇન કરી શકતા નહોતા. 24 કલાક કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ કંપની દ્વારા પોતાની સેવાઓ શરૂ કરવામાં ન આવતા અનેક મુસાફરોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
મળતી માહિતી મુજબ દેશભરના એરપોર્ટ પર લાઉન્જ પ્રવેશ સંબંધિત સેવાઓ પૂરી પાડતી અને અનેક બેંકો સાથેની ભાગીદાર ડ્રીમફોલ્કસ સર્વિસીસ લિમિટેડ કંપની દ્વારા બેન્ક સાથે સંલગ્નિત થઈને ક્રેડિટ કાર્ડધારકોને લાઉન્જ એક્સેસ પૂરુ પાડે છે
પરંતુ આ કંપનીએ અચાનક જ પોતાની સેવાઓ સસ્પેન્ડ કરી લીધી, જેથી કરીને આ સ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે, મુસાફરોની ફરિયાદો બાદ અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થાની ગોઠવણી કરવામાં આવી હતી.

