સેવા સેતુ દાહોદ જિલ્લો
નગરજનોએ સહકુટુંબ આવીને વિવિધ સેવાઓનો લાભ લીધો
મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું
દાહોદ : દાહોદ નગરના ગોદી રોડ પર આવેલા અગ્રસેન ભવન ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી અને નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજ દેસાઇ એ નગરજનો માટે સવારે ૯ વાગે કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો અગ્રસેન ભવન ખાતે વોર્ડ નંબર ૧ થી ૦૫નો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમા દાહોદ નગરના નાગરિકો પણ મોટી સંખ્યામાં ઘર આંગણે સરકારી સેવાનો લાભ લેવા માટે ઉમટી પડયા હતા. સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ સેવાઓનો એક જ જગ્યાએ પારદર્શક રીતે લાભ આપવામાં આવતો હોય નાગરિકોએ સહકુટુંબ આવી સરકારી સેવાઓનો લાભ લીધો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીએ જણાવ્યું હતુ કે, સરકારે અનેકવિધ જન કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની બહુવિધ યોજનાઓના લાભો આપવામા આવી રહ્યા છે. જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કરી લોકોનું જીવનધોરણ સુધારવાનો સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે. સરકારના વિવિધ વિભાગોમાં કાર્યરત યોજનાઓનો મહત્તમ લાભ લેવા દાહોદવાસીઓને અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, તેનો પણ નાગરિકોએ મોટા પાયે લાભ લીધો હતો. સેવા સેતુ કાર્યક્રમને સફળ બનાવવા માટે દાહોદ નગરપાલિકા ચીફ ઓફીસર યશપાલસિંહ વાઘેલા અને નગર પાલિકાના કર્મચારીઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આમ દાહોદ નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ નગરજનોને વિવિધ સેવા સરળતાથી અને ત્વરાથી આપવાનું માધ્યમ બની રહ્યો હતો.
આ પ્રસંગે મામલતદાર શ્રી મનોજ મિશ્રા,નગરપાલિકા ઉપપ્રમુખ સુશ્રી શ્રદ્ધાબેન ભડંગ, નગરપાલિકાના કાઉન્સિલર શ્રીઓ સહિત મોટી સંખ્યામાં દાહોદવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા
૦૦રિપોર્ટર :-ઝેની શેખ





