શહેરની પોશ પારસ સોસાયટી મેઇન રોડ પર આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરના પૂજારી કલ્પેશભાઈ ભૂપતભાઈ શુક્લા ને મારકૂટ કરવાનો વીડિયો ગઇકાલે વાયરલ થયા બાદ ગાંધીગ્રામ પોલીસે આરોપી દિનેશ મોહનભાઈ ડોડીયા વિરૃધ્ધ ગુનો દાખલ કર્યો હતો. પૂજારી કલ્પેશભાઈએ પોલીસને જણાવ્યું કે ગઇ રોજ સવારે પાંચ વાગ્યે મંદિરે પહોંચ્યા હતાં. ત્યાંનું બધુ કામકાજ પૂર્ણ કરી ૮.૩૦ વાગ્યે ખુરશી પર બેઠા હતા તે વખતે મંદિર સામે રહેતાં સરોજબેન દિનેશભાઈ ડોડીયા નિત્યક્રમ મુજબ મંદિરે દર્શન કરવા આવ્યા હતા. સરોજબેન મંદિર ખાતે બાળ ગોપાલજીને વાઘા ઘણી વખત બદલાવે છે.
જે ક્રમ મુજબ તેણે બાળ ગોપાલજીનાં વાઘા બદલાવ્યા હતાં. ત્યાર પછી તેની પાસે આવી કહ્યું કે આપણે ત્યાં ટીનાબેન તન્નાએ બાળ ગોપાલજીનાં દરરોજ પહેરાવવાનાં વાઘાનું લીસ્ટ આપ્યું છે, તે મુજબ વાઘા કેમ નથી પહેરાવ્યા. જેથી તેણે કહ્યું કે, તેને કોઇએ લીસ્ટ આપ્યું નથી. તે સાથે જ સરોજબેને બોલાચાલી કરી કહ્યું કે તમે મારા ઘરવાળાને ઓળખતા નથી. બાદમાં ત્યાંથી જતા રહ્યા હતાં.
સવારે ૧૧ વાગ્યાની આસપાસ સરોજબેનનાં પતિ દિનેશભાઈ મંદિરે દર્શન કરવા આવ્યા હતાં. દર્શન કરી તે જ્યાં ખુરશી પર બેઠા હતા ત્યાં આવી કહ્યુ ંકે, તું મારી પત્નીને શું કહેતો હતો, તે મારી પત્નીને કેમ તુકારો દીધો. જેથી તેણે કહ્યું કે, મેં કોઇ તુકારો દીધો નથી. તે સાથે જ દિનેશભાઈએ ઉશ્કેરાઇ જઇ તેને ગાળો ભાંડી, કાંઠલો પકડી, આશરે પાંચેક થપ્પડ ઝીંકી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જતાં-જતાં કહ્યુ કે, તને હું પૂજારી કામ નહીં કરવા દઉં. એક પૂજારીને મંદિરમાં જ મારકૂટ કરવાનો આ વીડિયો વાયરલ થયા બાદ રોષ ભભૂકી ઉઠયો હતો. ગાંધીગ્રામ પોલીસે ગઇકાલે મોડી સાંજે ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.

