આણંદ
કોરોનાની મહામારીના પગલે ૨૦૨૦માં હજારો વિદ્યાર્થીઓનું વિદેશમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન રોળાયું હતું ત્યારે કોરોના સંક્રમણ ઘટતાં અમેરિકા, કેનેડા, યુકે સહિતના દેશોએ અભ્યાસ માટે વિઝા આપવાનું શરૂ કર્યું છે. જેથી દર વખત કરતાં ચાલુ વર્ષે જાન્યુઆરી ઈન્ટેક માટે વિદેશમાં અભ્યાસ કરવા જવા માટે ૧૮ હજારથી વધુ વિદ્યાર્થીઓની મોટાભાગની પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે અને તેમણે વિદેશ જવાની તૈયારી આરંભી છે તે ટાણે જ ઓમિક્રોન વેરિયેન્ટ આફત બનીને ત્રાટકતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતિત બન્યા છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડે તો ઇન્ટરનેશનલ ફલાઇટો પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. હાલમાં યુકે અને કેનેડામાં જાન્યુઆરી ઇન્ટેક માટે પ્રવેશ ચાલુ છે. પરંતુ ગમે ત્યારે નવા વેરિયન્ટના કારણે ફલાઇટો બંધ થવાનો તથા વિદેશી પ્રવેશ પર પ્રતિબંધ મુકાય તેવી સંભાવનાને લઈને ચરોતરના વિદેશ જવા ઈચ્છુક વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં ચિંતા પ્રસરી ગઈ છે. આણંદ શહેર અને જિલ્લામાં નાની મોટી ૪૦થી વધુ એજન્સીઓ દ્વારા વિદેશ વિઝા સહિતની કામગીરી કરાતી હોય છે. દર વર્ષે આણંદ જિલ્લામાંથી જાન્યુઆરી ઇન્ટેકના અભ્યાસ માટે ૪ હજાર વિદ્યાર્થીઓ જતાં હોય છે. પરંતુ કોરોનાકાળને પગલે ગત વર્ષે જઈ ના શકેલા તેમજ ચાલુ વર્ષના નવા વિદ્યાર્થીઓ મળી અંદાજે ૮ હજાર વિદ્યાર્થીઓ જાન્યુઆરી ઇન્ટેકના અભ્યાસ માટે યુકે, કેનેડા સહિતના દેશમાં જાય તેવી સંભાવના છે. તેવી જ રીતે ખેડા જિલ્લામાં યુ.કે. માટે ૭ હજાર અને કેનેડા માટે ૩ હજાર મળી ૧૦ હજાર જેટલા વિધાર્થીઓએ તૈયારી કરી છે. જે આગામી જાન્યુઆરી માસમાં વિદેશ જવા તૈયાર છે. પંરતુ નવા વેરિયન્ટ ને પગલે એક મહિનામાં શું સ્થિતિ સર્જાશે તેને લઇ સ્ટુડન્ટ અને વાલીઓની ચિંતામાં વધારો થયો છે.


