છોટાઉદેપુર જીલ્લાના તુરખેડા ખાતે રસ્તાના અભાવે સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રસ્તો ન હોવાના કારણે પ્રસૂતા મહિલાને અથવા કોઈ બીમાર પડે ત્યારે કપડાની ઝોળી બનાવીને ઉંચકીને ગામની બહાર લઈ જવામાં આવે છે. અને ત્યાંથી 108 અથવા અન્ય કોઈ સાધનની મદદથી કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવે છે. જેમાં ઘણીવાર મૃત્યુ પામવાની ઘટના પણ ઘટે છે. ગત 1 ઓકટોબરના રોજ એક પ્રસૂતા મહિલાને ઝોળીમાં ઉંચકીને લઇ જતા રસ્તામાં પ્રસુતિ થઈ ગઈ હતી. જેમાં પ્રસૂતા મહિલાનું મોત નીપજ્યું હતું.
કપડાની ઝોળીમાં પ્રસૂતાને ઉંચકીને ગામની બહાર લઈ જવાઈ ત્યારે ગઈકાલે તુરખેડા ગામના માનુક્લા ફળિયાની વધુ એક પ્રસૂતા મહિલા રમીલા જુવાનસિંગ રાઠવાને પ્રસુતિની પીડા ઉપડતાં તેને કાપડની ઝોળી બનાવીને તેમાં નાખીને ઉચકીને ત્રણ કિલોમીટર દૂર આંબા ડુંગર લઈ જવાઇ હતી. અને ત્યાથી 108માં કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાઇ હતી. ત્યાં રાત્રે મહિલાને પ્રસુતિ થઈ જતા બાળકને જન્મ આપ્યો હતો.
મહત્વની વાત એ છે કે છેલ્લા 20 દિવસમાં ત્રીજી વખત પ્રસૂતા મહિલાને ઝોળીમાં નાખીને ત્રણથી પાંચ કિલોમીટર દૂર ગામની બહાર લઈ જવાઈને કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાની ઘટનાઓ ઘટી છે. હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરતા તંત્ર એકશનમાં આવ્યું હતું ગત 1 ઓકટોબરના રોજ કવિતાબેન ભીલ નામની મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા ઝોળીમાં નાખીને ઉંચકીને પાંચ કિલોમીટર દૂર લઈ જતી વખતે રસ્તામાં પ્રસુતિ થઈ ગઈ હતી..અને બાળકીને જન્મ અપાયા બાદ કવિતાબેનનું મોત નિપજ્યું હતું. જેના અહેવાલ મીડિયામાં પ્રસારિત થતાં નામદાર ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો પી.આઇ.એલ.દાખલ કરી હતી અને સરકારને રિપોર્ટ રજૂ કરવા નોટિસ ફટકારી હતી. જેને લઇને સરકારી તંત્ર એકશનમાં આવ્યું હતું..અને તંત્ર દ્વારા તુરખેડાના ત્રણ ફળીયામાં 9 કિલોમીટરનો રસ્તો રૂ.18.50 કરોડના ખર્ચે બનાવવાનું મંજૂર કર્યું હતું. પરંતુ બાકીના ત્રણ ફળિયા મનુકલા ફળિયા, ખૈડી ફળિયા અને બુડની ફળિયામાં હજુ રસ્તો મંજૂર કરવામાં આવ્યો નથી. અને ત્યાં પણ રસ્તાના અભાવે ખૂબ જ કપરી પરિસ્થિતિ જોવા મળી રહી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

