શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શક્તિપીઠ માઁ આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે ભાદરવી, નવરાત્રિ અને દિવાળીના પર્વમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

અંબાજી ખાતે દિવાળીના વેકેશનમાં માતાજીનાં ભક્તો દિવાળીથી દેવ દિવાળી સુધી માતાજીનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આવ્યા હતાં અને ત્યારબાદ ભક્તોએ માતાજીનો ભંડારો પણ છલકાવી દીધો હતો. અંબાજી મંદિરમાં દર મંગળવારે ભંડાર ખુલે છે. જેમાં CCTVની નજરમાં 70થી વધુ લોકો ભંડાર ગણતરીમાં જોડાય છે. દિવાલી બાદ અત્યાર સુધીમાં અલગ અલગ ત્રણવાર ખુલેલા ભંડાર ગણતરીમાં કરોડો રૂપિયાનું દાન આવ્યું છે.

અંબાજી મંદિરમાં ભક્તો દૂરદૂરથી માતાજીનાં દર્શન કરવા આવતા હોય છે. ત્યારે દિવાળીનાં તહેવાર નિમિત્તે પણ ભકતોએ માતાજીનાં ભંડાર અને ગબ્બર પર્વતના મંદીરમાં મોટી સંખ્યામાં દાન ભેટ ચઢાવી હતી. દિવાળી બાદના પ્રથમ ભંડારમાં 64 લાખની આવક થઈ હતી, ત્યારબાદ બીજા ભંડારમાં 52 લાખની આવક થઈ હતી અને આજે ત્રીજા ભંડારના દીવસે અંદાજે 45થી 50 લાખની આવક થઈ હતી.

