Gujarat

ગાંધીનગરના કોલવડામાં અગાઉના ઝગડાની અદાવતમાં ખેડૂત પર ફિલ્મી ઢબે હૂમલો, કારમાં આવેલા બે શખ્શો તલવાર-ધોકા વડે જીવલેણ હૂમલો કરી ફરાર

ગાંધીનગરના કોલવડા ગામમાં અગાઉના ઝગડાની અદાવતમાં વેગન આર કારમાં આવેલા બે શખ્સોએ ખેડૂતની કારને રોકી દઈ ફિલ્મી ઢબે તલવાર – ધોકા વડે જીવલેણ હૂમલો કરી કારના કાચ પણ તોડી નાખવામાં આવતાં પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના કોલવડા ગામના ઈશાજીનો માઢમાં રહેતા અજીતસિંહ સેધાજી વાઘેલા ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે બપોરના સમયે અજીતસિંહ ગાંધીનગરથી સ્વીફ્ટ કાર લઇ ઘર નજીક પહોંચ્યા હતા. એ વખતે સામેથી નંબર પ્લેટ વિનાની એક વેગનઆર કાર તેમની કારની સામે આવીને ઊભી રહી ગઈ હતી.

જેમાથી બે ઈસમો તલવાર અને ધોકો લઈને નીચે ઉતર્યા હતા. અને હજી અજીતસિંહ કઈ સમજે એ પહેલાં જ બંને ઈસમે તલવાર ધોકા વડે કારના કાચ તોડી નાખ્યા હતા. બાદમાં અજીતસિંહને ગાળો બોલી કારની બહાર ખેંચી એક ઈસમે તલવાર વડે હૂમલો કર્યો હતો. અને બીજો ઈસમ ધોકો લઈને ફરી વળ્યો હતો.

આ હુમલામાં અજીતસિંહ હાથે તેમજ માથાના ભાગે ઈજાઓ થતાં ચક્કર ખાઈને નીચે પડી ગયા હતા. એટલા ઘરની નજીક અવાજ સાંભળીને તેમના પત્ની રમીલાબેન દોડી ગયા હતા. દરમ્યાન બન્ને ઈસમો અજીતસિંહને આને જીવતો છોડવાનો નથી તેમ કહી ભાગી ગયા હતા.