Gujarat

મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં સત્તાધિશો અને અધિકારીઓએ પ્રશ્નોત્તરી અને પ્રજાલક્ષી પ્રશ્નોને મજાક બનાવી દીધા

જામનગર મહાનગર પાલિકાની બુધવારે મળેલી સામાન્ય સભામાં બે નાયબ ઈનજનેરને કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી આપવામાં આવી હતી. કચરા, બ્રીજ, આવાસ મુદ્દે વિપક્ષો દ્વારા આકરી પ્રશ્નોત્તરી કરી હતી. સેક્રેટરી અને ઓડીટ શાખાના રીક્રુટમેન્ટ રૂલ્સને પણ સામાન્ય સભામાં બહાલી આપવામાં આવી હતી.

જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા આજે કુંવરબાઈ ધર્મશાળામાં મળી હતી. જામનગર મહાનગર પાલિકાના બે નાયબ ઈજનેર દિનેશ પાઠક (સિવિલ) અને એનઆર દિક્ષીત (એસ્ટેટ)ને કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી આપવામાં આવી હતી. આ માટેની દરખાસ્ત અધ્યક્ષસ્થાનેથી રજૂ કરવામાં આવી હતી જેને સર્વાનુમત્તે મંજુર કરાઈ હતી.

વૃક્ષો વાવી ભૂલી જવાય છે, માત્ર ફોટા પડાવાય છે

આ પછી પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી જેમાં આનંદ રાઠોડએ ચર્ચામાં જણાવ્યું હતું કે, ગાર્ડન શાખાની કામગીરી સદંતર નબળી છે અને નિષ્ફળ છે. વૃક્ષોના વાવેતરમાં માત્ર ફોટો પડાવી વૃક્ષ વાવીને ભૂલી જવાય છે. આ શાખામાં અનુભવી અધિકારીને મૂકવા જોઈએ.

રસ્તા માટે એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરની જવાબદારી ફીકસ કરો

વિપક્ષના જેનબબેન ખફીએ ચર્ચામાં ભાગ લેતા કહ્યુ હતું કે રસ્તામાં ખાડા પડે છે તે માટે કોન્ટ્રાકટરને દંડ કરવો જોઈએ અથવા જવાબદાર ઈજનેરની જવાબદારી ફિકસ કરવી જોઈએ. તેવી માંગણી કરી હતી. જામનગર શહેરમાં છાશવારે ખખડધજ રસ્તાઓ બને છે અને થોડા સમયમાં જ તૂટી જાય છે પરંતુ કરોડો રૂપિયાના એંધાણ છતાં કોઈના પેટનું પાણી હલતું નથી.

જર્જરીત પુલના મુદ્દે રાજકારણ ગરમાયું

અસ્લમ ખિલજીએ ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે, કાલાવડ નાકા બહારના જર્જરિત પુલ મુદ્દે સહી ઝુંબેશ કરાઈ હતી જે તમામ સહીઓ સાથેનો બંચ મેયરને સુપ્રત કરી સત્વરે આ કામ શરૂ કરવા માંગ કરી હતી. તેના જવાબમાં મેયરે જણાવ્યું હતું કે, આ બાબત માત્ર જશ ખાટવાનો પ્રયત્ન છે. હકીકતે છ માસ પહેલા જ સત્તાધિશો દ્વારા પુલ બનાવવા માટે કામગીરીનો આરંભ કર્યો હતો. આથી અસ્લમ ખીલજીએ કહ્યું હતું કે અમારી રજૂઆત ચાર વર્ષથી ચાલે છે.