રાજકોટ
ખોડલધામના આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા સહિતના કેન્દ્રીય પ્રધાનો, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતનું આખું પ્રધાનમંડળ તેમજ દેશભરમાંથી પાટીદાર ઉદ્યોગકારો-લોકો હાજરી આપે એ સ્પષ્ટ છે.સૌરાષ્ટ્રમા લેઉવા પાટીદારના એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરને ૨૧ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થશે. ધાર્મિક સંસ્થા અને આસ્થાના કેન્દ્ર ખોડલધામના ૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ૨૧ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ખોડલધામ ખાતે માતાજીના ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે ખોડલધામ સમિતિ અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા ફરી એક વખત ખોડલધામ ખાતે સૌરાષ્ટ્રના લેઉવા પાટીદારોને એક મંચ પર લાવી લાખોની સંખ્યા એકઠી કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે લોધિકા તાલુકામાં નરેશ પટેલ પાટોત્સવનું આમંત્રણ આપવા પહોંચ્યા ત્યારે ફૂલોની જાજમ પાથરી મહિલાઓએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. છેલ્લા ૧ મહિનાથી ખુદ નરેશ પટેલ અને તેમની ટીમ દ્વારા સૌરાષ્ટ્રના અને જિલ્લાના તાલુકના પ્રવાસ શરૂ કરી રૂબરૂ આમંત્રણ આપવામાં આવી રહ્યા છે. આજે નરેશ પટેલ લોધિકા તાલુકામાં આમંત્રણ આપવા પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમાજની બહેનો દ્વારા ફૂલની જાજમ પાથરવામાં આવી હતી. તેમજ પાટાત્સવ લખેલી રંગોળી પણ દોરવામાં આવી હતી. આ અગાઉ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે અમરેલી અને જામનગર જિલ્લામાં આમંત્રણ યાત્રા પૂર્ણ કરી દીધી છે અને હાલ રાજકોટ જિલ્લામાં આમંત્રણ યાત્રા કરી રહ્યા છે. જેમાં ગઈકાલે ધોરાજી અને જેતપુર બાદ આજે લોધિકા અને જામકંડોરણા તાલુકામાં આમંત્રણ યાત્રા પહોંચી હતી. અહીં તેઓનું સમાજના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજે સાંજે રાજકોટ ખાતે કુવાડવા રોડ પર આવેલા આવેલા એક પાર્ટી પ્લોટમાં લેઉવા પાટીદારોનું સ્નેહમિલન પણ યોજાવાનું છે અને તેમાં નરેશ પટેલ હાજરી આપનાર છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે જ આ પ્રકારના ધાર્મિક મેળાવડા મારફત પાટીદારોનું શક્તિપ્રદર્શન યોજીને રાજકીય કદ વધારવાનું ગણિત હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. વર્ષોની મહેનત બાદ તૈયાર થયેલા અને દેશભરનાં જાણિતાં ધર્મસ્થાનોની યાદીમાં સ્થાન મેળવનારા લેઉવા પટેલ સમાજના આસ્થાનું પ્રતિક સમું ખોડલધામ તૈયાર થયું હતું. ૨૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ રેકોર્ડબ્રેક લોકોની હાજરી વચ્ચે ખુલ્લું મુકવામાં આવ્યું હતું, તેને આગામી ૨૧ જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં હોવાથી પાટોત્સવ યોજવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.


