આજનો સોમવાર ભાવનગર માટે ભારે હોય એમ બે દુર્ઘટના સામે આવી છે. પહેલી ઘટના જિલ્લાના સિહોર પાસેથી સામે આવી છે. જ્યાં જાનૈયાઓની બસમાં અચાનક આગ ભભૂકી છે. જ્યારે બીજી ઘટના ભાવનગર શહેરમાંથી સામે આવી છે. જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટ પર સિમેન્ટ મિક્સર ટ્રક પોચી જમીનમાં ફસાતા બે મજૂરો દબાયા હતા. જોકે આ બંને ઘટનામાં કોઇ જાનહાનિ નથી થઇ એ રાહતની બાબતે છે.
સિહોર પાસે જાનૈયાઓની બસમાં આગ પહેલી ઘટના વિશે વિસ્તારથી વાત કરીએ તો ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના બજુડ ગામમાં આજે સવારે પટેલ પરિવારના લગ્ન પ્રસંગે ગારીયાધાર જવા માટે આવેલી ભૂમિ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ગામના પાદરમાં ઊભેલી બસમાં જાનૈયાઓ બેસવાની તૈયારી કરી રહ્યા હતા, તે દરમિયાન બસના એન્જિનમાં સ્પાર્ક થતાં આગ ભભૂકી ઊઠી હતી. સદનસીબે, સમયસૂચકતા દાખવીને તમામ જાનૈયાઓ બસમાંથી સલામત બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈ જાનહાની થવા પામી ન હતી.
ઘટનાની જાણ થતાં જ સોનગઢ પોલીસ અને સિહોર ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આગમાં બસ સંપૂર્ણપણે સળગી ગઈ હતી. સોનગઢ પોલીસ સ્ટેશનના PSI સહિતના અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી. ભૂમિ ટ્રાવેલ્સના સંચાલકોએ તાત્કાલિક જાનૈયાઓ માટે વૈકલ્પિક બસની વ્યવસ્થા કરી આપી હતી, જેથી લગ્ન પ્રસંગમાં કોઈ વિક્ષેપ ન પડે.

બીજી તરફ અંકલેશ્વર જીઆઇડીસીમાં નોટિફાઇડ એરિયા ઓથોરિટીની ડમ્પિંગ સાઈટમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. બેઇલ કંપનીની બાજુમાં આવેલી આ ડમ્પિંગ સાઈટમાં મોટા પ્રમાણમાં ડોમેસ્ટિક વેસ્ટ જમા થયેલો હતો, જેમાં અચાનક આગ લાગતાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂરથી દેખાતા હતા. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી ડી.પી.એમ.સી.ના 11 ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર ફાઈટર્સે લગભગ અઢી કલાકની સખત મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

