Gujarat

અમદાવાદ, ગાંધીનગર, ગિફ્ટની હોટલમાં ઓક્યુપેન્સી 80%એ પહોંચી, 8 મોટી હોટેલ ખુલતાં 1000 રૂમ વધશે

ગુજરાત ધીરે ધીરે હોટલ અને ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીમાં પણ હરણફાળ ભરી રહ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, ગિફ્ટ સિટીમાં આવેલી હોટલમાં ઓક્યુપેન્સી 80 ટકા પહોંચી છે. આ ઉપરાંત આગામી 2-3 વર્ષમાં 8 નવી હોટલ ખુલતા 1000 રૂમ પણ વધશે.

સાંસ્કૃતિક-મ્યુઝિકલ કન્સર્ટ, પ્રાકૃતિક, ધાર્મિક, આર્થિક, સ્પોર્ટ્સ ઇવેન્ટ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી ધમધમતા અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં હયાત, આઇટીસી, તાજ, લીલા, કોર્ટયાર્ડ મેરિયોટ્સ સહિત નેશનલ અને ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સની લક્ઝરીયસ હોટલ્સના પ્રવેશથી ઇન્ડસ્ટ્રીઝનો મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે.

આગામી બે-ત્રણ વર્ષમાં આંતરરાષ્ટ્રીય સ્તરની હોટલ વિસ્તરણની યોજના ઘડી રહી છે. ગિફ્ટ સિટીમાં પણ બેથી વધુ 5 સ્ટાર કેટેગરીની હોટલ્સ આવી રહી છે. આ સેગમેન્ટમાં સરેરાશ કુલ 2500 કરોડથી વધુનું રોકાણ આવવા સાથે 1000 નવા રૂમ્સ ઉમેરાશે તેવો નિર્દેશ ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓએ દર્શાવ્યો હતો.

અમદાવાદ, ગાંધીનગર અને ગિફ્ટમાં 4-5 સ્ટાર કેટેગરીના 4500 ઉમ્સ ઉપલબ્ધ છે અને નવા 1000 જેટલા રૂમ્સ ઉમેરાઇ શકે છે. આ ઉપરાંત મુંબઇ, દિલ્હી, બેંગલુરૂ, પુના જેવા મેટ્રો શહેરોની તુલનામાં અમદાવાદ-ગાંધીનગર અને ગિફ્ટ સિટીમાં હોટલ ઓક્યુપેન્સી રેટમાં આગળ નિકળી ચૂક્યું છે.

કોરોના મહામારી બાદ ઓક્યુપેન્સી રેટ સરેરાશ બમણો વધીને અત્યારે 75-80 ટકા સુધી પહોંચ્યો છે. વિદેશી મૂડીરોકાણ પ્રવાહ અને સતત વધતો વિદેશી પ્રવાસીઓનો પ્રવાહ જોતાં ઇન્ડસ્ટ્રીઝનો વ્યાપ વિસ્તર્યો છે.