સુરતમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. થોડા દિવસ પહેલાં લાલ દરવાજા વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. આંખના પલકારામાં પૂરપાટ ઝડપે આવતી કારનો ચાલક બાઈક સવાર પરિવારને ઉડાવીને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ગર્ભવતી પત્ની અને પતિ ઇજાગ્રસ્ત થયાં હતાં જ્યારે તેમની સાથે રહેલી ત્રણ વર્ષની બાળકીના હોઠમાં ઇજા થતા ચાર ચાર ટાંકા લેવા પડ્યા હતા.

હાલ આ તમામની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ મામલે મહીધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પરિવાર દરગાહ પર દર્શન કરી પરત ફરી રહ્યો હતો મળતી માહિતી પ્રમાણે સુરતના સલાબતપુરા વિસ્તારમાં 26 વર્ષીય સારિક અનવર ગુલામ દસ્તગીર સંયુક્ત પરિવાર સાથે રહે છે. પરિવારમાં માતા-પિતા, પત્ની, ભાઈ-ભાભી અને એક ત્રણ વર્ષની દીકરી છે.
સારિક ટેક્સ્ટાઈલ માર્કેટમાં સાડીઓનું કટિંગ અને ફોલ્ડિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. ગત 9 ફેબ્રુઆરીના રોજ રાત્રે સારિક તેની ગર્ભવતી પત્ની અને ત્રણ વર્ષીય દીકરી બાઇક પર ફૂલવાડી ખાતે આવેલી દરગાહ પર દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી રાત્રે 11 વાગ્યે દર્શન કરીને પરત ઘરે પરત ફરી રહ્યા હતા.

