Gujarat

સુરત-નવસારી હાઇવે પર નાઇજેરિયન યુવતી 1.50 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાઈ

સુરત-નવસારી હાઇવે પર રોડ પર ઉભેલી એક નાઇજેરિયન યુવતીને સ્ટેટ મોનિટરિ઼ગ સેલે રૂ. 1.50 કરોડના 150 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડી હતી. આ નાઇજેરિયન યુવતી મુંબઈથી સુરતમાં ડ્રગ્સની ડિલીવરી માટે આવી હતી.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, સોમવારે સાંજે સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમી મળી હતી કે, એક નાઇજેરિયન યુવતી સુરતમાં ડ્રગ્નની ડિલિવરી કરવા માટે આવવાની છે અને તે નવસારી-સુરત વચ્ચે હાઇવે પર ડિલિવરી આપવા માટે ઉભી રહેવાની છે. પોલીસની અલગ-અલગ ટીમોએ આ રોડ પર વોચ ગોઠવી હતી.

દરમિયાન નાઇજેરિયન યુવતી રોડની સાઇડમાં ઉભેલી દેખાઈ હતી. મહિલા પોલીસને સાથે રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલે આ યુવતીની ઝડતી લેતાં તેની પાસેથી 1.50 કરોડની કિંમતનું 150 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. તેની પૂછપરછ કરતાં તેણે પોલીસને જણાવ્યું હતું કે, હું તો માત્ર ડિલિવરી કરવા માટે જ આવી હતી.

ડિલિવરી લેવા કોણ આવવાનું હતું તે મને ખબર નથી. મને તો લોકેશન સાથે એટલી જ સૂચના આપવામાં આવી હતી કે લોકેશન પર જઇને ઉભા રહી જવાનું છે એટલે ડ્રગ્સ લેવા માટે કોઈ આવી જશે. આ ડ્રગ્સ મુંબઈથી લાવવામાં આવ્યું હતું.

આ યુવતીને ડ્રગ્સ કોણે આપ્યું તેને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તેની પાસેથી પોલીસને એક મોબાઇલ પણ મળી આવ્યો છે જેના સીડીઆરના આધારે યુવતી કોના-કોના સંપર્કમાં હતી તેની પણ તપાસ કરવામાં આવશે. યુવતી પાસેથી પોલીસે નાઇજેરિયન પાસપોર્ટ પણ કબજે લીધો છે. મોડીરાત્રે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.