પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1992 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં ગત સપ્તાહના 949 સામે છેલ્લા સપ્તાહે 991 કેસ, ઝાડા-ઉલટીનાં 184, સામાન્ય તાવનાં 812 કેસ નોંધાયા છે.
ઉપરાંત સતત બીજા સપ્તાહે અતિ જોખમી ગણાતા ટાઇફોઇડ તાવનાં 2 કેસ અને કમળાનો પણ 1 કેસ નોંધાયો છે. આંકડાઓ સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈએ તો કુલ દર્દીનો આંકડો 10,000 કરતા વધુ હોવાની પણ શક્યતા છે.
મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, હાલમાં સવારે અને રાત્રે શિયાળો તો બપોરના સમયે ઉનાળો એમ મિશ્રઋતુનો અનુભવ થાય છે. આવા વાતાવરણમાં વાયરલ ઇન્ફેક્શન વધવાની શક્યતા રહેતી હોય છે.
ત્યારે લોકોએ બહારનો ખોરાક લેવાથી દૂર રહેવાની સાથે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. અને સામાન્ય સૂકી ઉધરસ માટે હળદરનો ઉપયોગ કરવો એ હિતાવહ છે. ઉપરાંત જો કોઈપણ પ્રકારે તબિયત વધુ લથડતી લાગે તો તરત જ મનપાનાં આરોગ્ય કેન્દ્રો અથવા સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડૉક્ટર્સની સલાહ લઈ તે મુજબની દવા કરવી જરૂરી છે.
રોગચાળા દ્વારા ઊભા થતા આરોગ્ય પડકારને પહોંચી વળવા મહાનગરપાલિકા દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 56 મેલેરિયા ફિલ્ડવર્કર, 415 અર્બન આશા અને 115 વી.બી.ડી વોલેન્ટીયર્સ દ્વારા તા. 10 ફેબ્રુઆરીથી લઈ 16 ફેબ્રુઆરી સુધીમાં 33,197 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી.
તેમજ ઘરોમાં ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત રાજકોટ શહેરનાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત કુલ 718 પ્રિમાઈસીસમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન રહેણાંકમાં 332 તો કોર્મશીયલમાં કુલ 189 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી.
તેમજ મચ્છરની ઉત્પત્તિ બદલ વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. હાલ ડેંગ્યુનાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આમ છતાં મનપા દ્વારા જે સ્થળેથી ડેંગ્યુનાં કેસો સામે આવ્યા હતા, તેવા સ્થળે ઉપરાંત આસપાસના વિસ્તારોમાં ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

