ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસે એક મહત્વપૂર્ણ કેસમાં ઝડપી કાર્યવાહી કરીને સફળતા મેળવી છે.
સેક્ટર-13માં રહેતા અને છેલ્લા 18 વર્ષથી શેર બ્રોકિંગનું કામ કરતા એક યુવકે અમેરિકાની જાણીતી ક્રિપ્ટો કંપની changelly.com પાસેથી 40 લાખ રૂપિયાના XRP કોઇન્સ ખરીદ્યા હતા.
યુવકે સુરક્ષિત રોકાણ માટે tangem નામનું કોલ્ડ વોલેટ અમેઝોન પરથી ખરીદ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેની સંભવિત જીત બાદ શેરબજારમાં તેજી આવતા, XRP કોઇનની કિંમત વધીને 75 હજાર સુધી પહોંચી ગઈ, જેના કારણે યુવકને 30 લાખનો નફો થયો.
કુલ 75 લાખ રૂપિયા થયા બાદ જ્યારે યુવકે આ રકમ પરત મેળવવા પ્રયાસ કર્યો, ત્યારે કંપનીએ KYC સહિતના ટેકનિકલ કારણો આપીને પૈસા પરત કરવાનો ઇનકાર કર્યો.
દોઢ મહિના સુધી કંપની દ્વારા યુવકને ગોળ ગોળ ફેરવવામાં આવ્યા બાદ તેણે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને માત્ર ચાર કલાકમાં જ યુવકને તેના 75 લાખ રૂપિયા પરત અપાવ્યા. આ કેસમાં સાયબર ક્રાઇમ પોલીસની કાર્યક્ષમતા અને ત્વરિત પ્રતિસાદ પ્રશંસનીય રહ્યો છે.

