Gujarat

જામનગરમાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ સેવા રથનો પ્રારંભ કરાવ્યો, 15થી વધુ યોજનાઓનો લાભ મળશે

જામનગરના નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ એક અનોખી પહેલ કરી છે.

તેમણે ‘સેવા રથ’ નામના મોબાઈલ વાનનો પ્રારંભ કરાવ્યો છે, જે શનિવાર અને રવિવારે વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને સરકારી યોજનાઓનો લાભ આપશે.

આ સેવા રથ દ્વારા આયુષ્માન કાર્ડ, રેશનકાર્ડ ઈ-કેવાયસી, વૃદ્ધ પેન્શન યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, આધારકાર્ડ સુધારા-વધારા, સુકન્યા સમૃદ્ધિ યોજના, વહાલી દીકરી યોજના અને પીએમ વિશ્વકર્મા યોજના જેવી મહત્વપૂર્ણ યોજનાઓનો લાભ આપવામાં આવશે.

આ ઉપરાંત, જાતિ અને આવકના દાખલા, દિવ્યાંગ સહાય યોજના, ડિજિટલ વિદ્યાર્થી સ્કોલરશીપ, મુખ્યમંત્રી રાહત ફંડ અને કુંવરબાઈનું મામેરું યોજના જેવી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સેવા રથના પ્રારંભ પ્રસંગે જામનગરના મેયર દિવ્યેશ અકબરી, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ સહિત ભાજપના અનેક હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડે નહીં અને તેમને ઘરઆંગણે જ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે છે.