ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ફરી એકવાર આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ બનાવ મહાકુંભ મેળા વિસ્તારના સેક્ટર ૮ માં બન્યો હતો. આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ગાડીઓ ઘટનાસ્થળે તાત્કાલિક ધોરણે પહોંચી ગઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ ઘણી મોટી હતી, જાેકે હવે તેને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. બે દિવસ પહેલા પણ મહાકુંભ મેળામાં આગ લાગી હતી. તે સમયે, આ આગને કારણે મહાકુંભ સેક્ટર ૧૮ અને ૧૯ વચ્ચેના ઘણા પંડાલો બળીને રાખ થઈ ગયા હતા. આ ઘટનાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે.
આ આગની ઘટના બાબતે મળતી માહિતી મુજબ, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે કલ્પવાસીઓ દ્વારા ખાલી કરાયેલા ટેન્ટમાં આ આગ લાગી હતી. આ આગ ઘણી મોટી હતી અને ઝડપથી ફેલાઈ રહી હતી. જાેકે ફાયર બ્રિગેડે કોર્ડન કરીને આગને કાબુમાં લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.

