Gujarat

સુમુલ ડેરી રોડ પર તૂટેલા ઢાંકણને રીપેર કરવા અનેક રજૂઆત છતાં કોઈ કામગીરી ન થતાં સ્થાનિકોમાં રોષ

સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની કામગીરીને લઈને સ્થાનિક લોકોમાં પણ હવે રોષ વધુ જોવા મળી રહ્યો છે. શહેરના વરિયાવ વિસ્તારમાં કેદારના ગટરમાં પડી જવાથી થયેલા મોત બાદ પણ હજી તંત્ર કુંભકરણની નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે.

સુમુલ ડેરી વિસ્તારના લોકોએ ગટરના ઢાંકણને લઈને કરેલી ફરિયાદ બાદ પણ હજી સુધી કોઈ કામગીરી થઈ નથી.

ગટરનું ઢાંકણ તૂટેલું હોવાથી ડરનો માહોલ સુમુલ ડેરી રોડ વિસ્તારમાં સરદાર નગર સોસાયટીની આસપાસ ગટરનું ઢાંકણ તૂટી ગયું હોવાનું સામે આવ્યું છે. કેટલીક વખત તો ગટરના ઢાંકણ એવી સ્થિતિમાં હોય છે કે, થોડું તૂટી ગયું હોય તો જરા પણ વજન પડે તો આખે આખું ઢાંકણ ગટરમાં જતું રહે. જેના કારણે જ મહદંશે લોકોના જીવ જોખમમાં મુકાઈ જતા હોય છે.

ગટરનું ઢાંકણ ખૂણાના ભાગથી તૂટેલું હોય અથવા તો તિરાડ પડી ગઇ હોય તેવા સમય ભલે ત્યાં આખું તૂટેલું ન હોય પરંતુ તેના ઉપર કોઈ વાહનનું વજન આવે અથવા તો કોઈ રાહદારીનો પગ પડે તો પણ તે તૂટી જાય તેવી સ્થિતિમાં જોવા મળતું હોય છે.

જેથી ગટરનું ઢાંકણ થોડું પણ ક્ષતિગ્રસ્ત દેખાય તો તેને તાત્કાલિક બદલી દેવું જરૂરી હોય છે, પરંતુ સરદાર નગર સોસાયટી પાસે જે ગટરનું ઢાંકણ તૂટી ગયું છે તેને બદલવાની તસ્દી અધિકારીઓ લઈ રહ્યા ન હોવાની ફરિયાદ સામે આવી છે.