Gujarat

પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં પડેલા સ્ક્રેપના વાહનોમાં આગ લાગતા 80 જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા

વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં પડેલા સ્ક્રેપના વાહનોમાં આગ લાગતા 80 જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઈ હતી અને ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વાહનોમાં આગ લાગવાનો બનાવ બનતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક વિગતો મુજબ ઉપરોક્ત સ્થળે સ્ક્રેપના તેમજ જુદા જુદા ગુનાઓમાં કબજે લેવાયેલા વાહનોનો મોટો ખડકલો કરવામાં આવ્યો હતો.

જેમાં આગ ફાટી નીકળી હતી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. 3 કલાકની જહેમત બાદ ફાયર બિગેડ દ્વારા આગ બુઝાવવામાં આવી હતી. 50 જેટલા ટુ વ્હીલર અને 30 જેટલા ફોર વ્હીલરનો સમાવેશ થતો હતો.

ગાજરવાડી ફાયર બ્રિગેડના સબ ઓફિસર જીતેન્દ્ર જાધવે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતા અમે લોકો ત્રણ પણ દોડી ગયા હતા અને ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

એક મહિના પહેલા એસઆરપીના સ્ટોર રૂમમાં ભીષણ આગ લાગી હતી. જેનું પ્રાથમિક કારણ સોટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું હતું. આગના બનાવમાં એસઆરપીના ટેન્ટ તેમજ અન્ય સાધનોને ભારે નુકસાન થયું હતું.