વડોદરાના કારેલીબાગ સ્થિત ઉન્નતિ સ્કેટિંગ રિંક ખાતે પહેલગામ આતંકી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો. ધ બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 100થી વધુ સ્કેટર્સ અને તેમના વાલીઓએ ભાગ લીધો.

નાના બાળકોએ હાથમાં મીણબત્તી લઈને સ્કેટિંગ કરીને એકતા, શાંતિ અને દેશભક્તિનો સંદેશ આપ્યો. બાળકોએ બેનર્સ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સામૂહિક પ્રાર્થના અને મૌન પાળીને શહીદોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી.

એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે આ કાર્યક્રમનો હેતુ નવી પેઢીમાં દેશપ્રેમ જગાવવાનો અને શહીદોની કુરબાની પ્રત્યે સંવેદના કેળવવાનો છે. સ્થાનિક નાગરિકો અને વાલીઓ પણ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જોડાયા.

એસોસિએશને મીડિયાને અપીલ કરી છે કે બાળકોના આ ભાવનાત્મક અભિગમને યોગ્ય પ્રસિદ્ધિ આપી પીડિત પરિવારો સુધી સહાનુભૂતિનો સંદેશ પહોંચાડવામાં મદદ કરે. કાર્યક્રમમાં એસોસિએશનના હોદ્દેદારોની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

