જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશમાં ગેરકાયદે પ્રવેશ કરનારા વિદેશી નાગરિકો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે ગીર સોમનાથ પોલીસે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.
એલસીબી અને એસઓજી ટીમે નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ન્યુ પર્પલ ઓર્ચિડ સ્પા એન્ડ સલૂનમાંથી એક બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી છે. રહીમા નામની આ 36 વર્ષીય મહિલા સ્પામાં નોકરી કરતી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી પાસે ભારતીય આધાર કાર્ડ, પાન કાર્ડ અને મતદાર કાર્ડ હતા.
જોકે, તેની પાસે ભારતનું જન્મ પ્રમાણપત્ર નહોતું. પૂછપરછમાં તેણે બાંગ્લાદેશની નાગરિક હોવાની કબૂલાત કરી હતી. તેના મોબાઇલ ફોનમાંથી પણ આ અંગેના પુરાવા મળી આવ્યા છે.
જુનાગઢ રેન્જ આઈજીપી નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
મહિલાએ કબૂલ્યું કે તે વિઝા કે ભારત સરકારની મંજૂરી વગર અહીં રહેતી હતી. પોલીસે તેને ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
આરોપી મહિલાનું મૂળ વતન બાંગ્લાદેશના બાઘેરહાટ જિલ્લાના રોશનખલા વિસ્તારમાં આવેલું ખુંતાકાટા છે. હાલમાં તે દિલ્હીના ભોલાનાથ નગર, મહાવીર કોલોનીમાં રહેતી હતી.

